જિલ્લા કલેકટર મિહિર પટેલ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવની હાજરીમાં બાળ સહાયતા કેન્દ્રને ખુલ્લુ મૂકાયું
ખોવાયેલા કે ભુલા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવશે અંબાજી મેળાનું બાળ સહાયતા કેન્દ્ર
મેળામાં બાળકો માટે આઈકાર્ડની વ્યવસ્થા: બાળકો માટે ફીડિંગ રૂમ અને રમકડા ઘરની ખાસ સુવિધા
અંબાજી, સંજીવ રાજપૂત: “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મેળાના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાની ઉપસ્થિતિમાં અંબાજી ખાતેથી “બાળ સહાયતા કેન્દ્ર”ને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, બાળ સુરક્ષા વિભાગ, આઈસીડીએસ વિભાગ તેમજ પ્રાથમિક શિક્ષણ વિભાગના સંકલન સાથે ભાદરવી પૂનમના મહા મેળામાં આવનાર બાળકો જે મેળામાં વિખુટા પડી જાય છે તેવા બાળકોને પરિવારમાં પુનઃસ્થાપિત કરવાનું તેમજ બાળકોનું માતૃ મિલન કરાવવા માટેનું બાળ સહાયતા કેન્દ્ર મેળામાં ઊભું કરાયું છે.
મેળાની અંદર ખોવાયેલા કે ભુલા પડેલા બાળકોને આ કેન્દ્ર ખાતે સુરક્ષિત રીતે રાખી અને તેમના પરિવારને સોપવામાં આવે છે. મેળા દરમિયાન કામાક્ષી મંદિર સામે હડાદ રોડ, રાવણ ટેકરી દાતા અને મુખ્ય કંટ્રોલ પોઇન્ટ અંબાજી ખાતેથી બાળકોના ગળામાં એક આઈકાર્ડ પહેરાવવામાં આવે છે જેની અંદર બાળકોનું નામ, સરનામું, વાલીનું નામ, મોબાઈલ નંબર વગેરે વિગતો લખવામાં આવે છે. જે પણ બાળક ક્યાંય પણ ખોવાય છે તો એ બાળકના કાર્ડના આધારે એ બાળકના પરિવાર સુધી પહોંચવામાં મદદ મળી રહે છે. અને જ્યાં સુધી બાળકનો વાલી વારસો મળી ન આવે ત્યાં સુધી બાળકને મુખ્ય કન્ટ્રોલ પોઇન્ટ અંબાજી ખાતે બાળ સહાયતા કેન્દ્ર પર સુરક્ષિત રીતે સાચવવામાં આવે છે.
અહીં એક ફીડિંગ રૂમ / ઘોડિયા ઘર, રમકડા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માતાઓ તેમના બાળકોને ફીડિંગ કરાવી શકે છે તેમજ બાળકો માટે પારણા, રમકડા અને સુકા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ કેન્દ્ર ખાતે આંગણવાડીની બહેનો અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા બાળકોને કાળજી અને સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. આ ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિતના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.