અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે.
આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન, અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહા મેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે.
ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે. તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે.
મહા મેળા દરમિયાન ટ્રાફિકને લગત કોઈ પ્રશ્ન ઊભો ના થાય તે માટે ખાસ આયોજન કરાશે. સેવા કેમ્પો દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરાઈ હતી.
ચાલુ વર્ષે યાત્રિકોના વિસામાની સંખ્યામાં વધારો કરાશે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રી તરફથી વિશેષ આયોજન કરાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે, અંબાજી ખાતે મહા મેળા પૂર્વે સમગ્ર અંબાજીમાં સ્વચ્છતાની ડ્રાઇવનું આયોજન કરાશે. સફાઈ માટે ફાળવેલા દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે. પદયાત્રીઓ તથા સેવા કેમ્પના આયોજકો પણ સ્વયંભૂ સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરી હતી.
બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું કે, પદયાત્રીઓની સુવિધા માટે ચાલુ વર્ષે વધુ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે.
સમગ્ર મેળા દરમિયાન સીસીટીવી કેમેરા, એલ.ઇ.ડી લાઈવ કવરેજ, પાર્કિંગ, લાઇટિંગ, આરોગ્ય, ઈ- રિક્ષા, પાણી, વિનામૂલ્યે ભોજન તથા લગેજ – પગરખાં કેન્દ્ર ઊભા કરાશે. ૧૫૦૦ થી વધુ સફાઈ કામદારો રાઉન્ડ ધ ક્લોક સફાઈમાં જોડાશે.
તેમણે જણાવ્યું કે, સેવા કેમ્પની નોંધણી માટે ઓનલાઇન પોર્ટલ સહિત તમામ મંજૂરીઓ સહેલાઈથી મળી જાય તે માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ સુચારુ કામગીરી કરાશે. રોડની ડાબી બાજુએ સેવા કેમ્પ લગાવવામાં આવશે.
સેવા કેમ્પ પર કામ કરનાર સ્વયં સેવકોની નોંધણી તથા આઇડેન્ટી કાર્ડ ફરજિયાત રહેશે. પગરખા મુકવા માટે સ્ટેન્ડ ઊભા કરવાના રહેશે. સેવા કેમ્પ ખાતે ફરજિયાત સીસીટીવી લગાવવાના રહેશે. મેળો પૂર્ણ થયા બાદ નિરીક્ષણના આધારે સેવા કેમ્પને પ્રોત્સાહન રૂપે એવોર્ડ પણ અપાશે.
આ પ્રસંગે સેવા કેમ્પના આયોજકોએ જિલ્લા કલેક્ટર સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સેવા કેમ્પના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.