અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માં જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ૪ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઇ છે. ચાર વિશાળ ડોમમાં ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, નાહવા ગરમ પાણી, સ્વરછ પથારી, આરોગ્ય સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે. ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ, સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજીત ૧૨૦૦ બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીંગની વ્યવસ્થા, હાઉસકીંપીગની સર્વિસ, સાઇનેઝીસ, ફ્રલોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રીશિયની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.
લગભગ ૯૦૦૦ ચો.મી વિસ્તારમાં આયોજન કરવામાં આવેલા અધતન સુવિધા વાળા ચાર ડોમ પૈકી પ્રથમ દાંતાથી અંબાજી તરફ આવતા પાન્છા ખોડિયાર/બ્રહ્માની માર્બલની વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં બીજો હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં ત્રીજો જુની કોલેજ ખાતે ખુલ્લી જગ્યામાં અને ચોથો માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ઊભા કરવામાં આવ્યા છે.
અંબાજી દર્શને આવેલા ઇડર તાલુકાના મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મેળામાં ગુજરાત સરકાર દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે ખૂબ સુંદર કામ કરવામાં આવ્યું છે તે માટે તેમણે ગુજરાત સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજસ્થાન ઉદયપુર જિલ્લાના યાત્રિક ટીના પંચાલે ખુશી વ્યક્ત કરતા અંબાજી ખાતે વિશાળ ડોમ, સુવા માટે પથારી, પંખા, સ્વચ્છતા સહિત મળતી સુવિધાઓ માટે ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી.