દર્શન, ભોજન, પીવાના પાણી, લગેજ- પગરખા કેન્દ્ર, પાર્કિંગ, વિના મુલ્યે છાશ વિતરણ કેન્દ્ર ખાતે સ્વંય સેવા આપી શકાશે
યાત્રાધામ અંબાજીમાં ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા પધારે છે. દર માસની પૂનમ, રવિવાર અને આઠમના દિવસે ખુબ જ વધારે પ્રમાણમાં યાત્રિકો પધારે છે. આવનાર યાત્રાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં7 આવે છે. ઘણા સ્વયં સેવક અને શ્રધાળુઓ માતાજીના ધામમાં વિશેષ દિવસોમાં સ્વયં સેવક તરીકે સેવાઓ આપવા તત્પર હોય છે. મંદિર ટ્રસ્ટને પણ વિવિધ દાતાશ્રીઓ અને સ્વયં સેવકો દ્વારા સેવા આપવા માટે તૈયારી દર્શાવામાં આવતી હોય છે. ગુજરાતના વિવિધ મંદિરોમાં ભક્તો દ્વારા આવી સેવાઓ આપવામાં આવી રહી છે. આ સેવાઓ થકી સમાજના તમામ વર્ગો અને સમુદાય એકજૂથ થઇ સમભાવ કેળવી ધાર્મિક પરંપરાઓને વધુ સુદઢ કરી શ્રેષ્ઠ સંચાલન કરી શકે છે.
મા અંબાના ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને જય અંબે પગપાળા સંઘ ઉંઝા દ્વારા આજે તા.૨૨/૦૬/૨૦૨૪ ને જેઠ સુદ પૂનમના રોજ રમેશભાઈ પટેલ અને તેમના ગ્રુપના ૪૦ જેટલા સ્વયં સેવકોએ એક દિવસ માટે સેવાની અદ્દભુત શરૂઆત કરી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી અને મંદિર સ્ટાફ દ્વારા તમામ સ્વયં સેવકોનું માતાજીની ચુંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉંઝા અને આસપાસના ગામના ભાઈ બહેનોએ વિવિધ સેવાઓ થકી માતાજીના ભક્તોને દર્શન માટે સેવાઓ ઉપલબ્ધ કરાવી સેવાની સુવાસ પ્રસરાવી હતી. આ સ્વયં સેવકો દ્વારા અંબાજી મંદિરમાં દર્શન વ્યવસ્થા, શ્રી અંબિકા ભોજનાલય, પીવાના પાણી , લગેજ- પગરખા કેન્દ્ર, પાર્કિંગ, વિના મુલ્યે છાશ વિતરણ કેન્દ્ર વગેરે સ્થળોએ સેવા આપી માતાજીની અનન્ય ભક્તિ કરી હતી.અંબાજી મંદિરમાં સૌ પ્રથમ વાર સ્વયં સેવકની સેવાઓ શરુ કરવામાં આવી છે. આ પ્રકારની સેવાઓ માટે મંદિર ટ્રસ્ટ ધ્વારા તમામ સેવા કેમ્પો અને ભાદરવી પૂનમમાં આવતા સંઘોને પત્ર લખીને અપીલ કરવામાં આવી હતી.
હાલમાં પ્રાયોગિક ધોરણે દર પૂનમ અને રવિવારના દિવસોએ આ મુજબની સેવાઓની શરૂઆત કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં માતાજીના સ્વયં સેવક (પુજારી) તરીકે નોધાવા માંગતા ભક્તોએ અંબાજી મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેકટર કચેરીના મોબાઈલ નં ૮૭૯૯૬૦૦૮૯૦, ૯૪૨૭૩૯૧૯૨૪ (ફોન – ૦૨૭૪૯ ૨૬૨૨૩૬) [email protected] સંપર્ક કરવા વિનંતી છે.
સ્વયં સેવક તરીકે વ્યક્તિગત તેમજ ગ્રુપની નોધણી કરવામાં આવે છે. તેમજ નોધણી માટે ઈચ્છુક સ્વયં સેવક માટેનું ફોર્મ ટેમ્પલ ઇન્સ્પેકટર કાર્યાલય ખાતે ઉપલબ્ધ છે. આ ફોર્મ ભરીને અંબાજી મંદિરની ટેમ્પલ ઇન્સ્પેકટર કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે.
રિપોર્ટ અંબાજી પ્રહલાદ પૂજારી