વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળીને કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માળીની અપીલ
ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રીપદ સોંપાયું છે.
આજરોજ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના પાવન દર્શન કરીને માઁ અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઇને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા માઁ જગદંબા સૌને શક્તિ આપે તે માટે આજે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી છે. વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌકોઈ સાથે મળીને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું.
અંબાજી દર્શન વખતે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
















