અંબાજી મહામેળામાં માઁ અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ જોવા મળી રહ્યું છે.મહા મેળાના ચોથા દિવસે અત્યારસુધી ૧૧ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થયું
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળાનો ચોથો દિવસ. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે.
અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ ૨૭ જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે. ૭૦૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે.
૮૦ ગ્રામના કુલ ૨૫ લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે. મહા મેળાનો આજે ચોથો દિવસ છે અને માઁ અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યારસુધી ૧૧ લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે.
તમામ માઇભક્તોને માઁ અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પુરતી વ્યવસ્થા કરાઈ છે. ૭૦૦ થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને માઁ અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે.
અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન ૧૦૦ કી.ગ્રા, ખાંડ ૧૫૦ કી.ગ્રા, ઘી ૭૬.૫ કી.ગ્રા અને ઈલાયચી ૨૦૦ ગ્રામ એમ કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે. મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.