બિહાર રાજગીરની કથામાં ત્રીજા દિવસે બાપુનું શિક્ષણ ચિંતન
તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા)
પુ. મોરારિબાપુ ના વ્યાસાસને 957 મી રામકથા બિહારના રાજગીર ખાતે નાલંદા વિશ્વવિદ્યાલયમાં ગવાઈ રહી છે. ત્રીજા દિવસની કથામાં મોરારીબાપુએ નાલંદા વિશ્વવિદ્યાલયનો મહિમા કરીને શિક્ષણનું ઉત્તમ ચિંતન અને મનન રજૂ કર્યું. સાથે સાથે આત્મકથાનાત્મક વાતોને ઉજાગર કરીને સ્વજીવનને તત્વચિંતન સાથે જોડવાનો પ્રયત્ન કર્યો.
ત્રીજા દિવસની કથાના ચિંતનમાં બાપુએ કહ્યું કે કથા સંવાદ એ ગુરુમુખી હોવો જોઈએ. નાલંદા વિશ્વવિદ્યાલય ખરેખર આનંદા વિશ્વવિદ્યાલય છે.આજે કોઈ યુનિવર્સિટીઓના નામો નાલંદા કે તક્ષશિલા સાથે જોડી દે છે. પરંતુ આપણી આ પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમો અને તેની ગુણવત્તાની તુલના થઈ શકે તેમ નથી. તે સમયે શિક્ષણનુ એક લેવલ હતું આજે માત્ર લેબલ બચ્યું છે.
વર્તમાન સમયની વિશ્વની કોઈ યુનિવર્સિટી આપણી આ પ્રાચીન યુનિવર્સિટીની તુલનામાં સમકક્ષ થઈ શકે તેમ નથી. આવી યુનિવર્સિટીઓ ભારતની ઓળખ જ્ઞાનની વિધ્વતાની વગેરેની ઓળખ હતી. આ યુનિવર્સિટીથી આપણે ભારતની ભવ્યતાનું મૂલ્યાંકન કરી શકીશું. બાપુએ વધુમાં કહ્યું કે શરીર અપવિત્ર થઈ શકે છે.મન બુદ્ધિ હૃદય અપવિત્ર થઈ શકે અહંકાર પણ થાય.
પરંતુ આત્મા ક્યારેય અપવિત્ર થઈ શકતો નથી. તેથી નાલંદા એ આનંદા વિશ્વવિદ્યાલય તરીકે ઓળખી શકીએ. જેનામાં કામ,ક્રોધ, રાગ, દ્વેષ શેકાઈ જાય છે તે ફરી ક્યારે અંકુરિત થતા નથી. કથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે.મહાપુરુષો સ્થળ સમયને પાત્ર જોઈને શાસ્ત્રોનો અર્થ પ્રગટ કરે છે.
આજની કથામાં જૈન મુનિ લોકેશ મુનિજી મહારાજ ઉપસ્થિત હતા. કથા દરમિયાન એક કથાના ફ્લાવર્સ વ્યાસાસનની બાજુમાં આરતી માટે રાખવામાં આવેલા ઘંટને એકાએક આવીને વગાડ્યો હતો. બાપુએ તેને સકારાત્મક રીતે લઈને ફરી ઘંટ વગાડવા કહ્યું હતું. એ જ રીતે એક શ્રોતાએ બાપુ સાથે તસ્વીર ખેંચાવવા માટે ભાવ વ્યક્ત કર્યો તેને કથા દરમિયાન વ્યાસપીઠ પર બોલાવીને બાપુએ તસવીર ખેંચાવી હતી.
















