સુરીબના (તખુભાઈ સાંડસુર દ્વારા)
માનસ રામયાત્રા હવે લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને સુરીબના એટલે કે શબરીના વનના નામ ઉપરથી પડેલા નામ ખાતે આવી પહોંચે છે. શબરી આશ્રમ એ રામની પ્રતિક્ષામાં સતત જુરે છે, એ આજે હવે પુ. મોરારીબાપુની રામયાત્રાથી પુલકિત પુલકિત દેખાઈ રહ્યો છે. તારીખ 27 ના રોજ આ યાત્રા પહોંચે છે પંચવટીમાં વડલાની છાયામાં અને પછી ગતિ કરે છે સુરિબના તરફ.
કથાના તૃતિય પુષ્પમા પુ. મોરારિબાપુએ કહ્યું કે અહીં આ સ્થાનમાં ત્રણ પ્રસંગનું ગાન કરવું છે. પહેલુ પાંચ આધ્યાત્મિક પ્રશ્નો અને તેનું સમાધાન, બીજો શુર્પણખાનો પ્રસંગ અને ત્રીજી વાત મારિચનું નિર્વાણ અને તેનું કાર્ય.આ યાત્રા એ અંતરયાત્રા છે એટલે કે દરેક વ્યક્તિએ ભીતર ઉતરવાનો મોકો છે. અને અંતરયાત્રાની મુખ્ય ત્રણ બાબતો ધ્યાને લેવી જોઈએ પહેલી પહેલું એકાંત, બીજું મૌન અને ત્રીજું ધ્યાન. કથામાં શ્રદ્ધાળુઓ ભલે હોય પણ વાસ્તવમાં હું એકલો જ હોવાની અનુભૂતિ કરું છું. સાધન એટલે પરમાત્મા સિવાય કંઈ શુદ્ધિ કે સ્મૃતિ ન રહે તે.પંચવટી મનોહર અને પાવન શાંત સ્થાન છે.
અહીં ઘણી વખત વ્યાસપીઠ પધારી ચૂકી છે અને ફરી 2027 કુંભમાં વ્યાસપીઠ આ સ્થાનમાં પધારશે. રામાયણ નો પાઠ કરવો જોઈએ વાંચન નહીં, પાઠ અનંત નિરંતર છે અને વાંચન પૂરું થાય છે. વિપત્તિ કાળમાં પણ ગુરુ પર નો ભરોસો ઓછો ન થવો જોઈએ.ગીતામા ત્રણ યજ્ઞનો ઉલ્લેખ છે રાજસ, સાત્વિક અને તામસ.અન્નદાન ન હોય તેવો યજ્ઞ તામસ ગણાય.
ચતુર્થ દિવસે કથાનું ગાન શબરી આશ્રમ સુરીબન ખાતે તા. 28 ના રોજ થયું. બાપુએ કહ્યું કે માનસમાં ‘સ’અને ‘શ’ થી શરૂ થતા નામનું ખૂબ મહત્વ છે જેમ કે સીતા,સૂમિત્રા સત્રુપા, સ્વયંપ્રભા શૂર્પણખા, સુલોચના શબરી. માતા શબરી ધ્યેય અને ધૈર્ય અને પ્રતીક્ષા ની પ્રતિમૂર્તિ છે અને તેને ગુરુ વચનનો ભરોસો છે. બાપુએ આજે નવધા ભક્તિનું મહત્વ જણાવીને સાધુમત પર પણ ભાર મુક્યો હતો.
શબરી આશ્રમ કર્ણાટકના બેલગામ જિલ્લાના સુરીબનના ગામમાં સ્થિત છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીં બાપુએ આવીને આ પ્રદેશ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે.કારણ કે અહીં ક્યારેય આ પ્રકારનો કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજાયો નથી. સરકારે પણ આ સ્થાનને વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત ઓછું કર્યું છે તેવું સ્થાનિક લોકોનું કહેવું હતું.
પંચમ દિવસની કથા હવે હમ્પી પાસેના પંપા સરોવર નજીક ઋષિમુખ પર્વત ખાતે ગવાશે.
















