યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી આજે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ – જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી તૈયાર કરવામાં આવેલા સેન્ટ્રલાઈઝ સર્વરબેઝ ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, સુવર્ણ શિખર દાન, સાડી કેન્દ્ર, ધાર્મિક વેચાણ કેન્દ્ર, ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રી સંઘ, સેવા કેમ્પ, વાહનપાસ વગેરેની નોંધણી પ્રક્રિયા જેવી વિવિધ ઓનલાઇન સેવાઓ આંગળીના ટેરવે સરળતાથી અને ઝડપી મળી રહેશે.
વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે આજના આધુનિક અને ડિજિટલ યુગની જરૂરિયાત મુજબ ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિર ખાતે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ડેટા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહી દાતાશ્રીઓને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી પ્રસાદ, દાન ભેટ, સાડી કેન્દ્ર તેમજ વેચાણ કેન્દ્રની પહોંચ તથા તમામ પ્રકારનું રિપોર્ટિંગ, સુપરવિઝન, ઓડિટ, ડેટા એનાલિસીસ જેવી અત્યંત જરૂરી બાબતોનું આધુનિક ટેકનોલોજીથી સંચાલન કરવામાં આવશે.
અંબાજી મંદિર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૧.૨૦ કરોડ જેટલા મોહનથાળના પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત લગભગ રૂ. ૫૦ કરોડનું દાન-ભેટ ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતને અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ માહિતગાર કર્યા હતા.