શક્તિપીઠ અંબાજી માં અંબાનુ પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે.
આ ધામમાં 12 કરતાં વધુ શિવ મંદિર આવેલા છે. સોમવતી અમાવસ અને શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો અંબાજી આસપાસના શિવ મંદિરોમાં દર્શન કરવા માટે ઊમટયા હતા.
અંબાજીના કુંભેશ્વર મહાદેવ ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા,જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. બીજી તરફ રામેશ્વર મહાદેવ ખાતે પણ પાર્થેશ્વર પૂજા અને શિવજીને બિલીપત્ર ચઢાવવામાં આવ્યા હતા.
અંબાજી ખાતે અંબિકેશ્વર મહાદેવ માં પણ શિવભક્ત દ્વારા સાડા ત્રણ કિલોનો ચાંદીનો નાગ ભેટ સ્વરૂપે અર્પણ કરાયો હતો. મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી નાગનુ વિશેષ પૂજન કરાયું હતું. અંબાજીના હરણેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કૈલાશ ટેકરી મહાદેવ, રીંછડીયા મહાદેવ અને કોટેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. હર હર ભોલે ના નાદ થી સમગ્ર અંબાજી ધામ શિવમય બની ગયું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી