અન્નકૂટ, કમળપૂજા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે.
અંબાજી ખાતે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે માં અંબાના મોટા બહેન અજય માતાનું મંદિર પણ આવેલું છે.મંદિરના માન સરોવર પાસે અજય માતાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે. આજે પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ, આનંદ ગરબા, અન્નકૂટ અને રાત્રે 1008 કમળ પૂજન અપરાજીતા માતાનું જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાયા.
મંદિરને રંગબેરંગી ફૂલોથી અને લાઈટોથી શણગારવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી પણ આ કાર્યક્રમમા ખાસ હાજર રહ્યા હતા. નવચંડી યજ્ઞમા યજમાન જોડાયા હતા અને બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.
ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે અજય માતાનું પૂજન નવ દિવસ સુધી કર્યું હતું અને રામ નવમીના દિવસે અજય માતાએ અજય બાણ આપ્યું હતુ. આજે પણ અંબાજી ભાદરવી મહાકુંભ ખાતે આવતા સંઘો પહેલા અજય માતાના મંદિરે ધજા ચઢાવે છે અને ત્યારબાદ અંબાજી મંદિર પર ધજા ચઢાવે છે.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી