અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પુનમ એટલે આદ્યશક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પુનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપુતએ જણાવ્યું હતું કે, આસ્થાના પ્રતીક એવા માં અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લહાવો લે છે ત્યારે આજે પોષી પૂનમનું વિશેષ મહત્વ હોય છે.
દુષ્કાળના સમયમાં માં અંબા શાકંભરીના સ્વરૂપે પ્રગટ થયા હતા એ દિવસથી આજનો દિવસ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આજે સૌ સાથે મળીને લોકભાગીદારી થકી હવનનું પણ આયોજન કરાયું છે. વિશ્વ કલ્યાણ માટે માં અંબા તમામ લોકોની શુભકામનાઓ પૂર્ણ કરે તેમ પ્રાર્થના થકી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી અને ૧૦૦ જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરાઇ હતી. આ સાથે માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવી હતી.
ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. અંબાજી શક્તિદ્વારથી હાથી પર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું. જેમાં ૩૫ થી વધારે વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી. શોભા યાત્રામાં કુલ ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
મા અંબાના પ્રાગટય દિવસનો ઉત્સવ માઇ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટનાં વિવિધ સોશ્યલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.