અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેંકડો માઈભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતાં સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે, આ સ્તુતિથી કરોડો માઇભકતોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઊર્જા પૂરી પાડશે. કોઈપણ શ્રી યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે. આદ્ય શકિત જેમાં વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિથી શકિતપીઠ અંબાજી ખાતે શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. જે અંબાજી શકિતપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે.
જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલે
આ પ્રસંગે કહ્યું કે, શ્રી યંત્રની ગૂઢ અને ગુપ્ત રહસ્મય શકિતને સાદી સરળ ગુજરાતી ભાષામાં સ્તુતિ સ્વરૂપે રચવાની પ્રેરણા મા અંબાએ આપી છે. મા અંબાની અનન્ય કૃપાદ્રષ્ટિ અને પ્રેરણાથી જ આ સ્તુતિ રચાઈ છે. આ સ્તુતિ મા અંબાના કરોડો માઇભકતોના કલ્યાર્થે રચવામાં આવી છે. જેનો લાભ અસંખ્ય માઇભકતોને મળશે.
શ્રી વિદ્યામાં જણાવ્યા અનુસાર આધશકિતને અષ્ટગંધનું અત્તર અતિ પ્રિય છે, તેનાથી માતાજી પ્રસન્ન રહે છે. અષ્ટગંધમાં ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશિર અને કુઠ નામની સુગંધનો સમાવેશ થાય છે. માતાજી પ્રસન્ન રહે અને જગદંબાના આશીર્વાદ તમામ માઇભકતોને પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અત્તર અર્પણ કર્યું છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મંદિર વહીવટદાર કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો અને જય ભોલે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.