Devotional

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીએ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા.

આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે.

નવીન બિલ્ડીંગમાં પાર્કિંગ, મલ્ટી પર્પજ હોલ, ૧૦ વર્ગખંડો, છાત્રાલય માટે ૪૯ જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર હોલ, યજ્ઞ શાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે. અહી નોંધનીય છે કે, શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ ૧૯૬૨થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ,ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના ૫,૧૦૭ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રીની ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આજથી ત્રણ દિવસીય ચાલનાર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એકતરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ જગત જનની માઁ આંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે. જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૫૧ શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરૂ સ્થાન ધરાવે છે.

દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનનું વિઝન સાકાર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાનની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ૫૧ શકિતપીઠ દર્શનનો લાભ ના લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામેલ ૫૧ શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અંબાજી સુધી પહોંચવા માટે કનેક્ટિવિટીમાં પણ વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાનએ અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટને કાર્યરત કરાવ્યો છે. અંબાજી વિસ્તારના બહુમૂલ્ય વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની રચના કરી છે. યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો પણ વિકાસ કરાશે. સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણનું અંબાજીમાં જતન થઈ રહ્યું છે. ૧૯૬૨થી ચાલતી સંસ્કૃત મહાવિદ્યાલયમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડી.કે.ત્રિવેદી ભવન, અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું હતું. જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને ઘરે બેઠાં મળે એવું આયોજન કર્યું છે. દરેક યોજનાનું સો ટકા અમલીકરણ થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસમંત્ર આપી જરૂરિયાતમંદ કોઈપણ લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય એની ચિંતા કરી છે. દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનિક ઓળખ કાર્ડ, મેડિકલ ચેકઅપ, એસ.ટી.બસમાં મફત મુસાફરી માટે પાસ જેવી અનેક યોજનાઓ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ અને અપંગ જેવા શબ્દો દૂર કરી દિવ્યાંગજન નામ આપી દિવ્યાંગજનોને આત્મસન્માન આપ્યું છે. તેમજ દિવ્યાંગ કૌશલ્ય રોજગાર સેવાસેતુ જેવા કાર્યક્રમો થકી દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવ્યા છે. દિવ્યાંગજનોની આત્મનિર્ભરતા માટે સરકાર ૫૦ હજાર થી ૫૦ લાખ સુધીની લોન આપે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે,  બનાસકાંઠામાં અત્યાર સુધીમાં ૬૧૮ દિવ્યાંગ લાભાર્થીઓને ૬ કરોડથી વધુના લાભ આપી આત્મનિર્ભરતા તરફ વાળ્યા છે.
તેમણે બનાસકાંઠા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.વહીવટી તંત્રની આ કામગીરી અન્ય જીલ્લાઓ માટે પ્રેરણાદાયી પથદર્શક બની રહેશે એમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે, હું માં અંબાને પ્રાર્થના કરું છું કે કોઈપણ વ્યક્તિ દિવ્યાંગ ન રહે અને આત્મ નિર્ભર બને .વધુમાં તેમણે તમામ માઈ ભક્તોને 51 શક્તિપીઠ મહોત્સવના દર્શન અને પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અહીં નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ “દિવ્યાંગ સેવા સેતુ” કાર્યક્રમો યોજીને દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા.

ભારત સરકારની એડિપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૬૭ લાભાર્થીઓને ૨૬૧ લાખ રૂપિયાના વિવિધ ૨૦૫૨ સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ૭૦૫ લાભાર્થીઓને વિવિધ સહાય મંજુરી આદેશ/ચેક/બસપાસ તેમજ ૬૨૮ લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટીફિકેટ વિતરણ એમ કુલ મળીને ૨૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે. જિલ્લાના કુલ ૧૮,૭૧૨ લાભાર્થીઓ બસમાં વિનામુલ્યે મુસાફરી માટે બસ પાસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રીઓ અનિકેત ભાઇ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેશાજી ચૌહાણ, પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સચિવ રાજેન્દ્ર કુમાર, સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી હિંમતલાલ દવે, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

શક્તિપીઠ અંબાજી, શાકંભરી નવરાત્રી પર્વ, વિશ્વ કલ્યાણ માટે 1008 ઔષધીઓનો યજ્ઞ, ગણેશ યાગ સાથેનો મહાયજ્ઞ યોજાયો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *