અંબાજી, સંજીવ રાજપૂત: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. તંત્ર, પોલીસ અને સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી.
ભાદરવી પૂનમનો મેળો ખીલી રહ્યો છે ત્યારે માં અંબાના આંગણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. દર્શન પહેલા તેઓ વિના મૂલ્યે નિરંતર ચાલતા ભોજન પ્રસાદના સિદ્ધ હેમ સેવા કેમ્પ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય ચૂંદડી ઓઢાડી સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ પોલીસ બેન્ડ સાથે તેઓ પગપાળા પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા જ્યાં જિલ્લા એસપી દ્વારા તમામ વ્યવસ્થા અને સુરક્ષાની માહિતી આપતા સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવાકેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. એ.આઇ ટેક્નોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃતિઓ પર બાઝ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરિ ફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું.
મંદિરના શક્તિદ્વાર પાસે જિલ્લા કલેક્ટર, મંદિર ના વહીવટદાર અને દાંતાના એસડીએમ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.
હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કૅમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.