Education

શિક્ષણ સાથે ભૂખ્યાને ભોજન પિરસતા પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ દતાણી

જૂનાગઢ સંજીવ રાજપૂત: ચાણક્યએ કહ્યું છે: “શિક્ષક કદી સામાન્ય ન હોય” આ વાક્ય ત્યારે, સાબિત થાય છે જ્યારે એક શિક્ષક માત્ર પાઠપુસ્તકની ભુમિકા સુધી સીમિત રહેતો નથી, પણ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આવા જ એક સંવેદનશીલ શિક્ષક શ્રી સમીરભાઈ દતાણીની વાત છે, જે પોતાની નોકરીને માત્ર રોજગાર નહીં, પણ સેવા તરીકે માને છે. જે શિક્ષણ સાથેસાથે માનવતાની ઊંડી ભાવના સાથે અનેક સેવાકાર્યો કરે છે. તેઓ ગરીબોને ભોજન પૂરુ પાડે છે, જરૂરિયાતમંદોની મદદ કરે છે અને સાથે સાથે વિવિધ સામાજિક અને પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે.

રક્તદાન કેમ્પનું આયોજન, વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન, ગૌમાતાની સેવા માટે લાડવા અને ખોળ આપવો, બાળકો માટે “પુસ્તક પરબ” જેવી પ્રવૃત્તિઓનું આયોજન – આ બધા કામો દ્વારા તેઓ સમાજમાં એક સશક્ત પરિવર્તન લાવવા માટે સતત કાર્યરત છે.સાચો શિક્ષક કેવળ જ્ઞાન આપતો નથી, પણ જીવંત મૂલ્યો, કરૂણા અને જવાબદારીની ભાવના ઉભી કરે છે જેનું પ્રતિબિંબ તેમના દરેક કાર્યમાં ઝળકે છે.

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટી તાલુકાના જલંધર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સમીરભાઈ દતાણી નોકરીમાંથી છૂટીને સાંજે પાંચ વાગ્યા પછી અતિ પછાત, મજૂરી કરતા પરિવારોને ભોજન કરાવે છે.

સમીરભાઈ નોકરીથી છૂટીને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અતિ પછાત, મજૂરી કરતા પરિવારોને ભોજન કરાવે છે. તેઓ કહે છે કે દર મહિને ભોજન માટે એક થી દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે.આ માટે જૂનાગઢ જિલ્લાના લોકો નાણાકીય સહયોગ આપે છે. તેઓ કહે છે કે આ સદકાર્ય માટે લોકો જન્મદિવસ, વર્ષગાંઠ, પુણ્યતિથિ જેવા દિવસો એ લોકો ખુશી ખુશીથી નાણાકીય સહયોગ આપી રહ્યા છે.તેઓ કહે છે કે અમે ક્યારેય કોઈ પાસે પૈસા માંગ્યા નથી. જૂનાગઢ જિલ્લાના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ પ્લેટફોર્મ થકી અમારા ગિરનારી ગ્રુપ થી પરિચિત છે.

સમીરભાઈ કહે છે કે અમારા ૧૦૦ વ્યકિતઓનું ગ્રુપ બનાવ્યું છે. જે ફ્રી હોય તે સાંજે સેવામાં આવી જાય છે. તેઓ વધુમાં કહે છે કે, અમે રસોઈ પણ જરૂરિયાત મંદ લોકો પાસે અને રોટેશન મુજબ કરાવીએ છીએ જેથી અન્ય પરિવારનું પણ ગુજરાન ચાલે.

સમીરભાઈ કહે છે કે હું વ્યવસાયથી પણ શિક્ષક છું. અને હૃદયથી પણ. એટલે લોકોની સેવાનો ભાવ અંદરથી રહેલો. વધુમાં જૂનાગઢ જિલ્લામાં બાબા મિત્ર મંડળ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. તેમાં મારા મમ્મી અને દાદી એ ૧૨ વર્ષ સુધી ફ્રીમાં સેવા આપી હતી.

તેઓ દરરોજ ૨૦૦ થી ૨૫૦ ની લોકોની રસોઈ બનાવતા હતા.હવે એમની ઉંમરના કારણે એ સેવા એમણે બંધ કરી છે. ત્યારબાદ કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલમાં લોકોને જમવા સહિતની મદદ કરતા હતા. ત્યાર થી ગિરનારી ગૃપ બનાવવાનો વિચાર અને આ સદકાર્ય શરૂ કર્યુ છે.આ ઉપરાંત મેં અત્યાર સુધીમાં ૫૨ વખત રક્તદાન કર્યું છે.અમારા ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગમે ત્યારે લોહીની જરૂર પડે તો એક કલાકમાં લોહી મળે દર્દીને તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરીમાં અન્ય સભ્યોમાં સમીરભાઈ દવે, સંજયભાઈ બુહેચા, કિર્તીભાઈ પોપટ દિનેશભાઈ રામાણી, હરીભાઈ કારીયા ,કીર્તિભાઈ પોપટ સહિતના સભ્યો જોડાયેલા છે.

શ્રી સમીરભાઈ દતાણી તેમના દ્વારા દર મહિને બે થી ત્રણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા હોય છે. આરોગ્ય જ સારું તો જીવન સારું – એ વિચારધારાને અનુસરી તેઓ સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરે છે. આ સાથે, ૪૦ જેટલા એવા પરિવારજનો કે જેઓ અશક્ત, વિધવા કે અત્યંત જરૂરિયાતમંદ છે, તેમને દર મહિને સંપૂર્ણ રાશન કીટ વિતરણની સેવાઓ આપી રહ્યો છે.

પછાત વિસ્તારોમાં ભોજન પ્રસાદની સેવા સતત ચાલે છે. માત્ર આરોગ્ય અને અન્ન નહિ, પણ તેઓ ભાવનાત્મક, સાંસ્કૃતિક જોડાણે પણ મહત્વ આપે છે. દરેક તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી દ્વારા સમરસતાનું સિંચન થાય છે. દર મહિને ગૌમાતા માટે લાડવા અને ખોળનું વિતરણ કરવામાં આવે છે, જ્યારે ઉનાળામાં રવિવારે ગૌમાતા માટે ગોળ તથા વરીયાળીવાળું ઠંડું શરબત વિતરણ કરવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તાડપત્રીનું વિતરણ તેમજ નાનાં બાળકો માટે રેઇનકોટ પૂરા પાડવામાં આવે છે.

શિયાળાની ઠંડીથી રક્ષણ આપવા માટે ગરીબ પરિવારોને ધાબળા આપવામાં આવે છે અને ઉનાળામાં ખુલ્લા પગે ફરતા બાળકોને ચંપલ આપવામાં આવે છે. કુદરતી આફતો જેવી કે મહામારી, વાવાઝોડાં કે પૂર જેવી પરિસ્થિતિમાં તેમણે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી અનેક લોકોને સહારો આપ્યો છે.

તહેવારોની ઉજવણીમાં તેઓ ખાસ કરીને બાળાઓ માટે વિશેષ આયોજન કરે છે. નવરાત્રીમાં ૧૧૦૦ જેટલી બાળાઓને ગોરણી, પ્રસાદ અને શણગાર ભેટ આપવામાં આવે છે. દિવાળીમાં બાળકોને કપડાં, મીઠાઈ, ફરસાણ અને ફટાકડાની ભેટ આપવામાં આવે છે.

હોળીમાં ઝૂંપડપટ્ટીના બાળકો માટે પિચકારી, રંગો, મીઠાઈ અને ફરસાણની વ્યવસ્થા કરવામાં આવે છે. સાતમ-આઠમના પાવન અવસરે બાળકોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. મકર સંક્રાંતિ નિમિત્તે મમરા લાડુ, ચીકી, તલના લાડુ, નાસ્તા તથા રમકડાં પણ વિતરણ કરવામાં આવે છે.

બાળકોમાં જ્ઞાન અને આધ્યાત્મિક ચેતનાનું સંવર્ધન થાય તે હેતુથી ધાર્મિક તહેવારો દરમિયાન ધાર્મિક પ્રશ્નોત્તરી સ્પર્ધા તેમજ લીંબુ-ચમચી, કોથળાદોડ અને જનરલ નોલેજ જેવી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. સર્વપિતૃ અમાસ નિમિત્તે “ચા-પાણી”ની સેવા પણ આપવામાં આવે છે. પર્યાવરણ જળવાઈ રહે તે માટે જૂન-જુલાઈ માસમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાય છે.

વૃદ્ધ વડીલોને યાત્રા કરાવવાનો પણ તેઓ નમ્ર પ્રયાસ કરે છે. જુન અને જુલાઈ માસમાં “પુસ્તક પરબ” જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં વાચન સંસ્કૃતિ વિકસાવાય છે. આરોગ્યસંચાલનના ભાગરૂપે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ડિપોઝિટ વગર સર્જીકલ સાધનો પણ ઉપલબ્ધ કરાવામાં આવે છે.

તેમજ રક્તદાતાઓના માન માટે સન્માન સમારોહનું ભવ્ય આયોજન થાય છે. જીવન પછી પણ સેવા ચાલુ રહે તે દૃષ્ટિએ તેઓ ચક્ષુદાન તથા દેહદાન સંકલ્પ પત્ર ભરાવી મેડિકલ કોલેજ સુધી પહોંચાડવાની સેવા પણ આપે છે. આ ઉપરાંત શિવરાત્રીના મેળામાં ચા, આરોગ્ય સેવા, અને બ્લડ કેમ્પ, પરિક્રમા દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ તેઓ સતત સમાજસેવામાં પોતાનું યોગદાન આપતા રહ્યા છે.

આવા સેવાકીય પ્રયાસો જોઈને સ્પષ્ટ થાય છે કે આ શિક્ષકનું જીવન શિક્ષણની જ મર્યાદા સુધી નહિ, પરંતુ કરૂણા, પરોપકાર અને જનહિત માટે સમર્પિત છે. શિક્ષણ અને સેવા એમ બંનેના સંયોગથી તેઓ સમાજમાં બદલાવ લાવવાના યશસ્વી પ્રયાસ કરી રહ્યા છે, જે સમસ્ત સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *