*મત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય ખાતે ‘કરિયર મહોત્સવ’ને ખૂલ્લો મૂક્યો
◆ ચારિત્ર્ય નિર્માણ કારકિર્દી નિર્માણ જેટલું જ જરૂરી છે
◆» રાજ્યનો પ્રત્યેક બાળક શાળામાંથી જ લક્ષ્ય નક્કી કરે અને તેને પામવા માટે પોતાનું ૧૦૦% સામર્થ્ય બહાર લાવે
:- શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીનો પથ કંડારવા માટે સમગ્ર રાજ્યની ૧૦ હજારથી વધુ શાળાઓ સુધી ‘કરિયર મહોત્સવ’ તબક્કાવાર યોજાશે
વિદ્યાર્થીઓને ૪૭થી વધુ કારકિર્દી વિકલ્પો અને ૧૦થી વધુ સ્કિલ-આધારિત વ્યવસાયો વિષે પ્રેક્ટિકલ કરિયર ગાઈડન્સ પૂરૂ પાડવાનો અભિગમ
સુરત શનિવાર: ગુજરાતમાં નવી શિક્ષા નીતિ-૨૦૨૦ના ભાગરૂપે કરિયર મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેને અનુલક્ષીને સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને JeevJoy ના સંયુક્ત ઉપક્રમે સુરતની ૭ શાળાઓમાં કરિયર મહોત્સવ’ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. કામરેજ તાલુકાના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી મંત્રીશ્રીએ મહોત્સવ ખૂલ્લો મૂક્યો હતો.
સુરતની સાત શાળાઓ; વશિષ્ઠ વિદ્યાલય-વાવ, તા.કામરેજ, વી.ડી. ગલીયારા સ્કૂલ- કઠોર, નવનિધિ વિદ્યાલય, વિશ્વભારતી ગર્લ્સ સ્કુલ, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, જે.બી. એન્ડ કાર્પ સ્કૂલ, નૂતન પબ્લિક સ્કૂલ-વેલંજામાં કરિયર મહોત્સવ યોજાયો હતો.
શિક્ષણરાજ્ય મંત્રીશ્રીની પ્રેરણાથી આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીનો પથ કંડારવા માટે સમગ્ર રાજ્યની ૧૦ હજારથી વધુ શાળાઓ સુધી પહોંચવાની દિશામાં આ પહેલ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરિયર ગાઈડન્સ પૂરુ પાડવાની આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓએ જાતે જ ‘કરિયર પે ચર્ચા’ દ્વારા પરસ્પર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ એકબીજાને જુદા જુદા કારકિર્દી વિકલ્પો વિશે સમજ આપી હતી. જેથી પર્સનલ ગાઈડન્સ અને હકીકત આધારિત શિક્ષણનું માળખું વિકસે. સાથે જ, વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ્સએ ‘કરિયર પે ચર્ચા’ અંતર્ગત પોતાનો અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. આ પ્રકારે ૧૦ હજારથી વધુ શાળાઓમાં નવતર અભિગમ તબકકાવાર શરૂ થશે.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સુરતનો ‘કરિયર મહોત્સવ’ પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતના શિક્ષણ ઈતિહાસમાં નવો માઇલસ્ટોન સાબિત થશે. રાજ્યનો પ્રત્યેક બાળક શાળામાંથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરે અને તેને પામવા માટે પોતાનું ૧૦૦ % સામર્થ્ય સાથે મહેનત કરે તો માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ રાષ્ટ્રનું નામ પણ રોશન કરી શકે છે.
તેમણે ઉમેર્યું કે, હ્રદયનું ઓપરેશન કરવા માટે સહૃદય હોવું જરૂરી છે. સંસ્કાર સાથેનું શિક્ષણ વિદ્યાર્થીને માનવમાંથી મહામાનવ બનાવે છે. એટલે જ ચારિત્ર્ય નિર્માણ કારકિર્દી નિર્માણ જેટલું જ જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, શાળાના આચાર્ય, શિક્ષકો, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, વહીવટી અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમણે શિક્ષણ અને રોજગારી વચ્ચેનું અંતર ડોર કરવા અંગે દિશાદર્શન પણ આપ્યું હતું.
.
વિદ્યાર્થીઓને ૪૭થી વધુ કારકિર્દી વિકલ્પો અને ૧૦થી વધુ સ્કિલ-આધારિત વ્યવસાયો વિષે સમજ અપાઈ
કરિયર મહોત્સવ અંતર્ગત ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ૬૦ જેટલી વિવિધ કારકિર્દીઓ (જેમ કે IAS, IPS, ડૉક્ટર, એન્જિનિયર, ફેશન ડિઝાઇનર, CA વગેરે) વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત, કાર મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, કમ્પ્યુટર ઓપરેટર, ડિલિવરી પર્સન જેવા ૧૦+ સ્કિલ આધારિત વ્યવસાયો વિષે પણ માર્ગદર્શન અપાયું હતું.