રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રા.શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૨૧૨ અનુદાનિત માધ્ય. અને ઉચ્ચત્ત માધ્ય. શાળાઓને સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી ડિજીટલ માળાખાકીય સુવિધાઓ પૂરી પાડવા મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ સંસાધનોથી ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ વધુ એક પહેલ
અંત્યોદયની ભાવના સાથે સરકારના આ દ્રષ્ટિગત પગલાંથી છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણની વધુ માળખાકીય સુવિધાઓ મળશે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા
ગાંધીનગર:શનિવારઃ- મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ અંતર્ગત રાજ્યમાં શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૨૧૨ અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્ય. શાળાઓને સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ (EAP) હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી ડિજીટલ માળાખાકીય સુવિધાઓ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પૂરી પાડવા મંજૂરી આપવામાં આવી છે.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, જ્ઞાન અને શિક્ષણની આ ૨૧ મી સદીમાં બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવાની ઉર્જા આપતું ડિજીટલ અને ગ્લોબલ શિક્ષણ આપવા રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ સીધી સૂચના મુજબ રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૨૧૨ અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્ય. શાળાઓને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ સાધનો સાથેનું શિક્ષણ મળશે, જે તેમના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
અગાઉ ૯૦ થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી અનુદાનિત માધ્ય. અને ઉચ્ચતર માધ્ય. શાળાઓને જ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ મળવાપાત્ર હતી, પરંતુ હવે ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને પણ આ સુવિધા મળી શકશે. અંત્યોદયની ભાવના સાથે સરકારના આ દ્રષ્ટિગત પગલાંથી છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણની વધુ માળખાકીય સુવિધાઓ મળશે તેમજ સરકારી-ગ્રાન્ટેડ શાળાઓને લાભ થશે અને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.