રિપોર્ટ : અનુજ ઠાકર
આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે લાઈમલાઈટ લૂંટી, દીકરાએ પિતા SRKના ફોટો પાડ્યા; સમય રૈનાનું ટી-શર્ટ ચર્ચામાં
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નું ભવ્ય પ્રીમિયર બુધવારે રાત્રે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયું હતું. આ પ્રીમિયરમાં બોલિવૂડના અનેક દિગ્ગજ સ્ટાર્સે પોતાની હાજરી આપી અને રેડ કાર્પેટ પર ગ્લેમરનું મોજું ફેલાયું.
પરિવાર સાથે SRKની એન્ટ્રી
શાહરુખ ખાન પત્ની ગૌરી, દીકરો આર્યન, દીકરી સુહાના અને નાનકડા અબરામ સાથે કાર્યક્રમમાં હાજર રહ્યો. ઉપરાંત અજય દેવગણ–કાજોલ, બોબી દેઓલ, કરણ જોહર, ફરાહ ખાન, રાજકુમાર હિરાની, ફરહાન અખ્તર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અનન્યા પાંડે, ચંકી પાંડે તથા અંબાણી પરિવાર સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસાની ચર્ચા
સ્ટાર્સની ભીડ વચ્ચે આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા તમામનું ધ્યાન ખેંચી ગઈ. તેણે ઓફ-શોલ્ડર બ્લેક ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી કરી. લારિસા મૂળ બ્રાઝિલિયન મોડલ-અભિનેત્રી છે. તેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરી છે તથા દેશી બોયઝ’ના લોકપ્રિય ગીત ‘સુબાહ હોને ના દે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ઉપરાંત, તે અનેક મ્યુઝિક વીડિયો અને ગુરુ રંધાવા સાથેના ‘સુરમા-સુરમા’ ગીતથી પણ પ્રસિદ્ધ થઈ છે.
દીકરાના કેમેરામાં કેદ થયા પિતા
ઇવેન્ટની એક મીઠી ક્ષણ એવી હતી જ્યારે શાહરુખ ખાને પોતાના દીકરા આર્યનને પાપારાઝીની સામે પોતાના ફોટોગ્રાફ્સ લેવા કહ્યું. આર્યને ખુશીથી પિતાના ફોટોઝ ક્લિક કર્યા. સિરીઝમાં લક્ષ્ય, બોબી દેઓલ, મનોજ પાહવા, ગૌતમી કપૂર અને રાઘવ જુયાલ જેવી કલાકારો મુખ્ય ભૂમિકામાં દેખાશે.