રિપોર્ટ અનુજ ઠાકર
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સતત નવી દિશામાં આગળ વધી રહ્યો છે. એક પછી એક નવી વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો દ્વારા દર્શકોને નવી અનુભૂતિ મળે છે. આવી જ એક સંવેદનશીલ અને સમકાલીન વાર્તા પર આધારિત ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ આજે, એટલે કે 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે જાણીતી અભિનેત્રી કોમલ ઠક્કર આ ફિલ્મથી પાંચ વર્ષ પછી ગુજરાતી સિનેમામાં ભવ્ય વાપસી કરી રહી છે. દર્શકોને તેમની કમબેક વિશે ખાસ ઉલ્લાસ છે. ફિલ્મમાં તેમનું પાત્ર વાર્તાને ભાવનાત્મક ઊંડાણ આપે છે અને તેમનો અભિનય ફરી એકવાર દિલ જીતે તેવી આશા છે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે વરિષ્ઠ અભિનેતા મનોજ જોષી, લોકપ્રિય ટીવી અભિનેતા હિતેન તેજવાણી, અને ગુજરાતના યુવા ચાહિત કલાકાર ગૌરવ પાસવાલા. ટ્રેલરે દર્શકોમાં જિગ્યાસા જગાવી છે, જ્યારે ફિલ્મનું ગીત ‘વરઘોડો’ ખૂબ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. ગીતના ગાયક છે જિગ્નેશ કવિરાજ અને સંગીત આપ્યું છે કેદાર-ભાર્ગવ જોડીએ – ખાસ કરીને લગ્નની ઋતુમાં આ ગીત યાદગાર બનશે.
ફિલ્મની વાર્તા કેન્દ્રમાં છે નાયક નવનીત રાય સંઘવી અને તેમના પરિવારની – બે પુત્રો, અસ્મિત અને આદિત્ય, પિતાની ઈચ્છાઓનો માન રાખે છે, પરંતુ પરિવારમાં ખળભળાટ સર્જાય છે જયારે આદિત્ય બિઝનેસથી અલગ થવાનો નિર્ણય કરે છે. પિતા પુત્ર વચ્ચે ઉદભવતી અસમતીઓ, લાગણીઓ અને સંઘર્ષ કેવી રીતે ફેરવાય છે, એ ફિલ્મનું મુખ્ય વિષય છે – અને એ દરેક પાત્ર સાથે દર્શક પોતાને પણ જોડાઈ જાય એવું લખાયું છે.
દિગ્દર્શક ચંદ્રેશ ભટ્ટ કહે છે, “આજની દુનિયામાં સંબંધો પાછળ છૂપી જાય છે, પણ જીવનના સાચા મૂલ્ય કોરોના જેવી આપત્તિએ આપણને ફરી યાદ અપાવ્યા છે – પરિવાર અને તેના મૂલ્યો સૌથી મહત્ત્વના છે.”
નિર્માતા તરીકે રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, હિત દોશી, સંજય ભટ્ટ અને આનંદ ખમાર જોડાયા છે, જ્યારે ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જાણીતા પત્રકાર આશુ પટેલનું યોગદાન રહેલું છે. ફિલ્મમાં ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી સહિત 35થી વધુ કલાકારોએ ભાગ લીધો છે.
‘સંઘવી એન્ડ સન્સ’ માત્ર મલ્ટીસ્ટારર ફિલ્મ જ નથી, પણ એક મજબૂત સંદેશ આપતી મેગા બજેટ ફિલ્મ છે – પરિવાર, સંબંધો, સમજદારી અને સંવેદનાનું પ્રતિબિંબ. જેમ બોલીવુડમાં સૂરજ બરજાતિયાની ફિલ્મો પરિવારીક મૂલ્યોને ઉજાગર કરે છે, તેમ આ ફિલ્મ ગુજરાતી સિનેમાને એ જ સ્તર પર લઈ જાય તેવી શક્તિ ધરાવે છે. ફિલ્મમાં ભાઈ-બહેનના સંબંધો પર આધારિત એક સુંદર ગીત પણ છે, જે લોકોને લાગણીભરી મુસાફરી પર લઈ જશે.
જો તમે પણ જુસ્સા અને લાગણીઓથી ભરેલી કુટુંબકથાને મહેસૂસ કરવા ઈચ્છતા હોવ, તો આજે નજીકના સિનેમાઘરમાં ‘સંઘવી એન્ડ સન્સ’ જરૂર જુઓ – એક વાર્તા, આપણી બધાની.