વર્ષે આવતી બધી જ અગિયારસોમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્વ છે.આ અગિયારસ મહાભારતની દંતકથા અને વિશેષ ભીમ સાથે જોડાયેલી છે તેથી તેને ભીમ અગિયારસ કહે છે.. તો ચાલો આજે દંતકથા અને મહત્વ વિશે થોડીક વાત કરીએ.
એકવાર વેદવ્યાસજી પાંડવોને ભક્તિ અને શ્રદ્ધા વિશેનું જ્ઞાન આપી રહ્યા હતા. તે જ વખતે પાંડવો એ સવાલ કર્યો કે વ્યાસજી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા શું કરવું જોઈએ? ત્યારે વેદવ્યાસજી એ ટૂંકમાં જવાબ આપ્યો કે અગિયારસ..વેદવ્યાસજી ની વાત સાંભળી બધા જ પાંડવોએ અગિયારસ કરવાનો નીમ લીધો.બસ એક ભીમ એ ઇન્કાર કરી દીધો અને કહ્યું વ્યાસજી મારાથી ભૂખ્યું નહિ રહેવાય.
મારા શરીરમાં બૃક નામનો અગ્નિ છે .હું દાન દક્ષિણા,જપ,તપ,ભક્તિ કરીશ.ત્યારે વેદવ્યાસજી એ ભીમના ખભે હાથ મૂકી કહ્યું ભીમ આમ તો વર્ષમાં ઘણી અગિયારસ આવે છે પણ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી અગિયારસનું વિશેષ મહત્વ છે.
તે કરવાથી વર્ષની તમામ અગિયારસનું ફળ મળે છે.. આ વાત ભીમના મગજમાં ઉતરી ગઈ તેણે પૂરી શ્રદ્ધાથી પાણીનો એક પણ ઘૂંટડો ભર્યા વિના આખો દિવસ પાણીમાં રહીને અગિયારસ કરેલી આથી આ અગિયારસને નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ પણ કહેવાય છે..
સૌરાષ્ટ્ર પંથકમાં આ અગિયારસને તહેવાર જેટલું વિશેષ મહત્વ આપવામાં આવે છે.. આ તહેવારને દીકરીઓનો તહેવાર પણ કહેવામાં આવે છે.અગિયારસ ના દિવસે નવી નવી પરણેલી બધી જ સાસરે ગયેલી દીકરીઓ પહેલીવાર હકથી પિયરમાં આવે છે.
કહેવામાં આવે છે દીકરીઓ ને સાસરે ગમે તેટલા કામ હોય, જવાબદારીઓ હોય, તો પણ આ તહેવારમાં તેને પિયરમાં જતા કોઈ નથી રોકી શકતું. તે હોંશથી પિયર આવે છે.. દીકરીઓના માં બાપ ને પણ દીકરી આવવાની હોય તેનો ખૂબ હરખ હોય છે. અગિયારસના દિવસે વહેલી સવારથી જ ગામમાં દીકરીઓ દીકરીઓ થઇ જાય છે.
પહેલાંના જમાનામાં તો દીકરીઓ ના લગ્ન પણ દૂર ગામ થતાં અને દીકરીઓને ઢોર ઢાંખર અને ખેતીના કામ બારેમાસ પૂરબહારમાં ચાલતા અને બધું જ કામ જાતે કરવાનું હોય એટલે દીકરી બિચારી માંડ એકવાર પિયરમાં આવતી. આ દિવસે દીકરી સામેથી આવતી દેખાય ત્યાં જ મા બાપ ભાઈ ભાંડુ તેને સામેથી લેવા જતા અને હાથમાંથી થેલો લઇને તેને ભેટી પડતા. ઘણાંય ને તો આંખમાંથી આસું પણ આવી જતા અને ખભે હાથ મૂકીને દીકરીને ઘરે લાવતા આ દ્રશ્યો હું સગી આંખે જોતી ત્યારે હું ખૂબ જ ભાવવિભોર થઇ જતી.
દીકરી રહેતી તેટલા દિવસ ઘરમાં રોનક રહેતી. અગિયારસ પછી જયારે દીકરીને સાસરે જવાનો સમય આવે ત્યારે તેડવાં આવેલ સાસરીના સભ્યને માં બાપ એવુ કહેતા કે બાપલા દીકરીને મન થાય ત્યારે મોકલતા રહેજો અને કઠળ કાળજે પછી દીકરીને વિદાય આપતા. હવે ફરી દીકરી ક્યારે આવશે તેની રાહ જોવાતી. આમ આ તહેવારમાં ભક્તિની સાથે ભાવ પણ જોડાયેલો છે.
હવે બધું વિસરાતું જાય છે. હવે દીકરીઓ ઈચ્છા થાય ત્યારે પિયર જઈ શકે છે.હવે તો મોટેભાગે પિયર પણ ગામમાં જ હોય છે.કામવાળા હોવાથી અને પહેલાં જેવા ખેતીના કામ ના હોવાથી જવાબદારીનો પણ વધુ પ્રશ્ન નથી રહેતો.હા પણ એક વાત ચોક્કસ કહીશ કે અગિયારસ આવતાં જ ભલે મારું પિયર નજીક છે હું ગમે તેટલીવાર જતી હોઉં તો પણ મારા સાસુ સૌરાષ્ટ્રના હોવાથી મને ભાવથી કહે છે સૂચિતા બે દિવસમાં અગિયારસ છે તમે તમારા પિયર જઈ આવો.ત્યારે મારું હૃદય ભરાઈ જાય છે અને અમારા ઘરમાં હજુ પણ સંસ્કૃતિ અને પરંપરા ને આટલું મહત્વ આપવામાં આવે છે તે જાણી પરિવાર પર માન ઉપજે છે..
અગિયારસના દિવસે ખેડૂતો પણ ખેતીના ઉપયોગમાં આવતાં તમામ ઓજારોની પૂજા કરે છે. અને આખું વર્ષ લીલુંછમ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે. નાતે બ્રાહ્મણ એટલે આ દિવસે અમારા ઘરે લોકો માટીની પાણી ભરેલી માટલી, અંદર કોઈ પણ ધાન અને માટલી ઉપર કોડિયું હોય તેમાં કેરી કે કોઈ પણ ઋતુ ફળ અને યથાશક્તિ દાન દક્ષિણા આપવા આવે.
આ દિવસે પાણી,માટીનું પાત્ર, અનાજ, ફળ કે વસ્ત્રનું દાન કરવાથી ઘરમાં ધાન ખૂટતું નથી તેવી પુરાણોમાં કહેવત છે.આ દિવસે રસ પૂરી ખાવાનો વિશેષ મહિમા છે.. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ દિવસે કેરી ખરીદીને બાળકો ને ખવડાવે છે.કહેવાય છે આ દિવસે વિષ્ણુસહસ્ત્ર નો પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે.. અને જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી..
મિત્રો તહેવાર તો ઘણા આવે છે પણ અમુક તહેવાર મન અને હૃદય પર ઊંડી છાપ છોડી જાય છે.. સમય ભલે બદલાય પણ પરંપરા અને સંસ્કૃતિને ટકાવી રાખીશું તો જિંદગી વધુ સુંદર લાગશે અને એ આજની પેઢી એ શીખવા જેવી વાત છે…
સૂચિતા ભટ્ટ “કલ્પનાના સુર”