રિપોર્ટ: અનુજ ઠાકર
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક વર્ષોમાં નવા કલાકારોના ઉમદા અભિનયથી ખીલી ઉઠી છે. એમાં સૌથી તેજસ્વી નામ છે – જાનકી બોડીવાલા. ફક્ત 29 વર્ષની ઉમરે જ તેમણે પોતાના અભિનયથી પ્રેક્ષકોનાં દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.
જાનકીની ફિલ્મ સફર 2012માં રિલીઝ થયેલી ફિલ્મ છેલ્લો દિવસથી શરૂ થઈ. પ્રથમ જ ફિલ્મથી તેમણે પોતાની અલગ ઓળખ ઉભી કરી અને આજે તેઓ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી બની ગઈ છે. તાજેતરમાં તેમને 71મો નેશનલ ફિલ્મ એવોર્ડ – બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે સન્માન મળ્યું. આ એવોર્ડ તેમને ગુજરાતી ફિલ્મ વશ માટે મળ્યો હતો, જે ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવતું મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે.
અમદાવાદમાં જન્મેલી જાનકીએ પોતાની સ્કૂલિંગ અને ડેન્ટલ સાયન્સનું અભ્યાસ પૂર્ણ કર્યું. તેમણે ગોયંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી BDSની ડિગ્રી પ્રાપ્ત કરી, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા પછી દિલની અંદરથી આવતો “અભિનયનો જુસ્સો” તેમને ફિલ્મ જગત તરફ ખેંચી લાવ્યો.
વશની સફળતા બાદ તેના હિન્દી રીમેક શૈતાનમાં પણ જાનકીના અભિનયે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. હવે તેઓ ફરી વશ લેવલ 2માં પોતાની જાદૂઈ આપી રહી છે.
જાનકી ફક્ત પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ પ્રેરણાસ્ત્રોત છે. તેમની સકારાત્મકતા, મહેનત, સતત પ્રયત્નો અને કલાપ્રેમ દરેક યુવાન માટે પ્રેરણા બની શકે એવી છે. ગુજરાતી સિનેમાને તેમણે આપેલું યોગદાન ઊંડાણસભર છે અને તે આવનારા સમયમાં વધુ ઉજ્જવળ બનશે, એવી આશા રાખી શકાય.