Entertainment

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરોથી સાવધાન

રિપોર્ટ: અનુજ ઠાકર.

ફિલ્મ ઉદ્યોગ એ સપનાઓનો મહેલ છે. અહીં દરેક કલાકાર, ટેક્નિશિયન અને નિર્દેશક પોતાની કળા રજૂ કરવા માંગે છે, પરંતુ આખી ફિલ્મનું બેકબોન પ્રોડ્યુસર હોય છે. એ પોતાના પૈસા, સમય અને શ્રદ્ધા લગાડીને એક સારી ફિલ્મ નિર્માણ થવાનું સ્વપ્ન જોતા હોય છે, પરંતુ અફસોસ એ વાતનો છે કે ઘણીવાર કેટલાક લેભાગુ અને બેદરકાર ડિરેક્ટરોના કારણે પ્રોડ્યુસરના એ પૈસા પાણીમાં વહી જાય છે.

ડિરેક્ટર એ ફિલ્મનો કેપ્ટન છે. સ્ક્રિપ્ટથી લઈને કાસ્ટિંગ, શૂટિંગ, એડિટિંગ સુધીની દરેક નાની મોટી બાબતમાં તેની નજર હોવી જોઈએ. પરંતુ જો એ વ્યક્તિ માત્ર પોતાના ફાયદા માટે ફિલ્મ બનાવે તો આખો પ્રોજેક્ટ ખોટી દિશામાં દોડી જાય છે. અને આવા જ કેટલાંક ડિરેક્ટરો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં  ઘૂસી બેઠાં છે. ઘણા ડિરેક્ટરોએ પ્રોડ્યુસરના ખિસ્સામાંથી કમાણી કરીને પોતાનું સુખ ભોગવવાનું શરૂ કરી દેતાં હોય જે. ફિલ્મને ક્રિએટિવ રીતે નહીં, પણ “પૈસા કેવી રીતે કાઢી લઈએ” એ દૃષ્ટિકોણથી ફિલ્મનો પ્રોજેક્ટ લેતાં હોય છે. દુબઇ અથવા અન્ય દેશમાં લોન્ચિંગ લાલચ આપી, ‘સરકારી સબસિડી તો આમ કરીને લાવી આપું’ તેવી લાલચ આપી મોડેલ્સ/હિરોઈન પાછળ ઘેલા હોય છે. આ બધું ફિલ્મના બજેટમાંથી જ થાય છે. પરિણામે, સ્ક્રીન પરની ફિલ્મ નબળી નીકળે છે અને આખરે નુકસાન માત્ર પ્રોડ્યુસરને થાય છે.

એટલે જ કહેવામાં આવે છે કે ડિરેક્ટર એટલે કેપ્ટન ઓફ ધ શિપ – જહાજ સલામત કાંઠે પહોંચે કે વચ્ચે જ ડૂબે, એની દિશા ડિરેક્ટર જ નક્કી કરે છે. ફિલ્મ થિયેટરોમાં ચાલે કે ન ચાલે એની સંપુર્ણ જવાબદારી ડિરેક્ટરની હોવી જ જોઈએ.

પ્રોડ્યુસર માટે ધ્યાન રાખવા જેવી બાબતો

 અસ્પષ્ટ સ્ક્રિપ્ટ – જો ડિરેક્ટર પાસે સ્પષ્ટ વિઝન કે મજબૂત સ્ક્રિપ્ટ ન હોય, તો એ પહેલું રેડ એલર્ટ છે

 જ્યારે ડિરેક્ટર ફિલ્મ માટે પૈસા રોકવા તમને જણાવે ત્યારે તમે જે-તે ડિરેક્ટરનું જુનું કામ પણ જુઓ. કારણ કે બની શકે એ ડિરેક્ટરે  ૭-૮ કરતાં વધારે ફિલ્મો બનાવી હોય જેમાંથી એકેય સારી સારી ફિલ્મ ન આપી શક્યા હોય. એના પાછળ જો પૈસા રોકાણ કરો છો તો એમાં સરવાળે તમારી ભુલ સાબિત થાય છે.

અનાવશ્યક ખર્ચ – સેટ્સ, લોકેશન્સ કે સ્ટારકાસ્ટની વધુ ફી કે ખાણીપીણીના બિનજરૂરી ખર્ચ શૂટ દરમિયાન થતાં હોય તો એ ત્રીજું રેડ એલર્ટ છે.

વ્યક્તિગત જીવન જેનું ખરડાયેલું હોય. બેન્કિંગ અને ફાઈન્સીયલ કે સિબિલ ખરાબ હોય તેવા ડિરેક્ટરો ફિલ્મને ક્યારેય પ્રાથમિકતા આપશે નહીં પણ તમારાં પૈસે તાગડધિન્ના કરશે એ ચોથું રેડ એલર્ટ છે.‌

કેટલાક ડિરેક્ટર પ્રોડ્યુસરને “તમને આમાં ખબર ન પડે સાહેબ” કહીને સાઈડલાઇન કરતાં હોય છે, જ્યારે હકીકતમાં તે પોતાનો હિસાબ ચોખ્ખો રાખતા નથી હોતાં અથવા તો દરેક સર્વિસસમાં પોતાનું કમિશન રાખતાં હોય છે. આવું કરતાં હોય તે ખાસ ધ્યાનમાં રાખવું કારણ કે આ પાંચમું રેડ એલર્ટ છે.

 જો ડિરેક્ટર પ્રોડક્શન ટીમમાં પોતાનાં જ વ્યક્તિઓ સેટ કરતાં હોય ત્યાં ચેતી જવું. મહદ્ અંશે શક્યતાઓ છે કે એ પોતાનાં જ માણસોને ટેબલ નીચેની કમાણી કરાવતાં હોય છે જે પ્રોડ્યુસરના ખિસ્સામાંથી જ જતી હોય છે.

જેમ અધુરો ઘડો છલકાય એ રીતે ડિરેક્ટર પોતાની અણઆવડત છુપાવવા સેટ ઉપર ઉદ્ધતાઈથી વાર્તતા હોય છે એમાં પણ નવી આવેલી હિરોઈન ઉપર રોફ જમાવતા હોય છે.‌ એવા ડિરેક્ટરોથી પણ સાવધાન રહેવું જોઈએ કારણ તેના લીધે અન્ય કલાકારોનું મોરલ પણ ડાઉન થતું હોય છે સરવાળે ફિલ્મના ગ્રાઉન્ડ પ્રમોશનમાં અસર થતી હોય છે આ છેલ્લું રેડ એલર્ટ છે.

સાચા ડિરેક્ટરને ઓળખવાની રીત

એ વ્યક્તિ ફિલ્મની સ્ક્રિપ્ટ પર લાંબી અને ગહન તૈયારી કરતાં હોય છે. દરેક ખર્ચનો હિસાબ પારદર્શક રાખે છે અથવા તો પૈસાનો હિસાબ કિતાબ હાથમાં લેતાં જ નથી હોતાં અથવા તો પ્રોડ્યુસરના ખાસ વ્યક્તિને સોંપે છે.

પ્રોડક્શન ટીમ સાથે ન્યાયી વ્યવહાર કરતાં હોય છે સાથે કલાકાર ટીમ સાથે એક એક સીન તથા કેમેરા ફ્રેમ વિશે વિસ્તૃત માહિતી આપ્યાં બાદ જ શૂટ કરતાં હોય છે.

ફિલ્મને સફળ બનાવવાનો રોડ મેપ એની પાસે હોય‌ છે જે ફિલ્મને લોન્ચિંગ વખતે દરેક ટીમ સભ્યોને તે રીતે તૈયાર કરતાં હોય‌ છે.  ફિલ્મની સફળતા કે નિષ્ફળતા – બન્નેની જવાબદારી સ્વીકારવા તૈયાર રહે છે.

ફિલ્મમાં પ્રોડ્યુસરની ભૂમિકા

પ્રોડ્યુસર માટે જરૂરી છે કે તે ફિલ્મની દરેક સ્ટેપ પર નજર રાખે. માત્ર પૈસા આપીને હાથ પર હાથ ધરીને ન બેસી રહે. સ્ક્રિપ્ટ, બજેટ અને શેડ્યૂલની નાની મોટી વિગતો પૂછવી જોઈએ. જરૂરી હોય તો, એક લિગલ એગ્રીમેન્ટ બનાવવો જોઈએ કે જેમાં સ્પષ્ટ લખેલું હોય કે ફિલ્મ નિષ્ફળ જાય તો ડિરેક્ટરની કેટલી જવાબદારી રહેશે.

પ્રોડ્યુસરનો પૈસો પવિત્ર છે – એ ઘણીવાર વર્ષોની મહેનત પછી જમા કરેલો હોય છે. તેને માત્ર એવા ડિરેક્ટરને આપવો જોઈએ જે કળાને પૂજ્ય માને, મહેનતથી કામ કરે અને ઈમાનદારી સાથે ફિલ્મ બનાવે.

આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સાચવવી હશે અને આગળ વધારવી હશે તો પ્રોડ્યુસરોને સાચવવાં પડશે અને આંપણે બધાંએ પ્રોડ્યુસરના હિતની વાત પહેલાં કરવી પડશે કારણ કે, પ્રોડ્યુસર છે તો નાના-મોટા કલાકાર છે, ડિરેક્ટર છે, ગીતકાર છે, સંગીતકાર છે, કે અન્ય ફિલ્મ સાથે સંકળાયેલા લોકો છે. એક પ્રોડ્યુસરના પૈસાથી ઓછામાં ઓછા ૧૦૦ કરતાં વધારે લોકોનું ઘર ચાલતું હોય છે,

એક આખી સર્જનની ઈકો સિસ્ટમ ચાલે છે. કેટલાક નાલાયક કે લેભાગું ડિરેક્ટરોના કારણે આખાય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બદનામી વહોરવાનુ આવે તો આપણે બધાંએ સજાગ રહેવું જોઈએ. અને આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. ડિરેક્ટરોની ફાંકા ફોજદારી પાછળ નહીં, પણ તેમના કાર્યની ગુણવત્તા પાછળ ધ્યાન આપવું જોઈએ. નહીતર, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, કોઈના સ્વાર્થી સ્વભાવના કારણે ખંડેર બની જશે.

PS – હું તો નામ સાથે જાહેર કરી શકું છું આવા  ડિરેક્ટરોના નામ, પણ હું મર્યાદા જાળવી રાખીશ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 64

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *