મિત્ર’ શબ્દ જ ભાવથી ભીંજવી દે તેવો છે. ફક્ત મિત્રતા જ એવો સંબંધ છે જેમાં કોઈ નાત, જાત, ભેદભાવ, ઊંચું, નીચું, મધ્યમ કે નિમ્ન એવું કંઈ જ નથી જોવાતું. બસ ! જ્યાં બે હૃદયો મનથી એકબીજા સાથે લોહીના સંબંધથી પણ પર, લાગણીના સંબંધથી જોડાય છે ને મિત્રતા બંધાઈ જાય છે.
આપણે ‘મિત્રતા દિવસ’ ઉજવીએ તો છીએ પણ કેમ ઉજવીએ છીએ? આ દિવસ ઉજવવાની શરુઆત ક્યારથી થઈ? એ વિશે ચાલો થોડું જાણીએ.
વિશ્વના દેશોમાં બે વખત ‘મિત્રતા દિવસ’ ઉજવાય છે. ભારત, અમેરિકા, લંડન, મલેશિયા, બાંગ્લાદેશ જેવા દેશોમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ‘મિત્રતા દિવસ’ની ઉજવણી થાય છે, અને 30 જુલાઈએ ‘આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ’ની ઉજવણી થાય છે.’આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ’ની શરુઆત ઈ.સ.1935માં અમેરિકામાં થયેલી. તેનું કારણ એ હતું કે, અમેરિકી સરકાર દ્વારા એક વ્યક્તિની હત્યા થયેલી અને તે હત્યા બાદ તેના એક જીગરીજાન મિત્રએ તેની યાદમાં જીવ આપી દીધેલો.બસ, તે દિવસથી આ દિવસને ખાસ બનાવવા ‘મિત્રતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
મિત્રો, આપણે કૃષ્ણ સુદામાની મૈત્રી વિશે જાણીએ જ છીએ તેમાં ભારોભાર ભક્તિ, લાગણી અને નિસ્વાર્થતા હતી.તેમ જ અર્જુન અને કૃષ્ણની મૈત્રીમાં પણ કોઈ જ પ્રકારનું છળ કપટ નહોતું. અર્જુન નીતિવેતા હતો તેથી કૃષ્ણ તેની વ્હારે આવેલા અને બન્ને વચ્ચે મૈત્રી બંધાયેલી.અને બસ તેઓ હૃદયના નાતેથી જ એકબીજા સાથે જોડાયેલા.
પણ આજે મારે વાત કરવી છે એવા બે પાત્રોની મૈત્રીની જે વિશે આપણે વિચારીએ તો પણ અજુગતું લાગે કે આ બે પાત્રો વચ્ચે મૈત્રી કઈ રીતે શક્ય બને? હું વાત કરી રહી છું કર્ણ અને દુર્યોધનની મૈત્રીની. કુંતીએ ત્યજી દીધેલો સૂર્યનો તેજસ્વી પુત્ર કર્ણ અધિરથ અને રાધાને ત્યાં ઉછરે છે.કૃપાચાર્ય પાસે તે અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા શીખે છે. છેવટે જ્યારે કૌશલ્ય પ્રદર્શનમાં બરાબર અર્જુનની સામે ટકરાવવાની ઘડી આવે છે ત્યારે, ક્ષત્રિયકુળનો નથી તેમ કહીં તેને રોકવામાં આવે છે. ત્યારે કર્ણને ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. ભાઈ , આવી પીડા તો જેણે વેઠી હોય એ જ જાણે. તે જ ક્ષણે દુર્યોધન કર્ણને અંગદેશના રાજા તરીકે નિયુક્ત કરે છે.
તેમાં દુર્યોધનનો સ્વાર્થ હોય છે. દુર્યોધન જાણતો હોય છે કે,કર્ણ એક મહાન યોદ્ધો છે, દાનવીર છે અને પાછો દુશ્મનનો પણ દુશ્મન એટલે તીર સાચી દિશામાં વાગ્યું છે તેવું સમજીને તે કર્ણને પોતાનો મિત્ર બનાવે છે. દુર્યોધનના અહેસાન નીચે જીવતો કર્ણ પોતાનું સમગ્ર દુર્યોધન ઉપર ન્યોછાવર કરી દે છે. દુર્યોધન અને કર્ણની મિત્રતામાં કર્ણ પક્ષે એકમાત્ર સ્વાપર્ણ સિવાય કંઈ જ જોવા મળતું નથી. તે હૃદયથી મૈત્રી નિભાવે છે. પણ દુર્યોધન પક્ષે સ્વાર્થ ખરો. કર્ણ એટલી હદે મિત્રતામાં ગરકાવ હોય છે કે કુંતીના મમતા ભર્યા શબ્દો અને કૃષ્ણની વાકપટુતાની પણ તેના પર અસર થતી નથી.
એક દિવસ કર્ણ અને કૃષ્ણની મુલાકાત થાય છે ત્યારે, કૃષ્ણ કર્ણને કહે છે કે, ભાઈ ! મારે તને એકવાત કરવી છે.એટલું કહેતા કૃષ્ણની આંખમાં આસું આવી જાય છે. ત્યારે કર્ણ કહે છે કે, હે ગોવિંદ ! તમે રડો છો? તમારી આંખમાં આસું કેમ? ત્યારે કૃષ્ણ કર્ણના માથે હાથ મૂકીને કહે છે, ભાઈ !તું કુંતેય(કોંતેય) છે.તું સૂત પુત્ર નથી. જેની સામે તું યુદ્ધ કરવા તૈયાર થયો છે તે તારા માડીજાયા ભાઈઓ છે. ભાઈ , તું થંભી જા.
કર્ણ આ સાંભળી પોતાને અંદરથી તૂટી ગયેલો ભાસે છે. એ માંડ માંડ આસું રોકીને કૃષ્ણને ભેટી પડે અને કહે છે, હે કૃષ્ણ… હું કુંતીપુત્ર છું તે અર્જુનને ખબર છે? ત્યારે કૃષ્ણ કહે છે ના. કૃષ્ણ મારા પર ઉપકાર કરજો,અર્જુનને ગંધ પણ ના આવવી જોઈએ કે હું તેમનો મોટો ભાઈ છું,પણ ગોવિંદ હું તમને વચન આપું છું કે મારા પાંચેય ભાઈઓનો વાળ પણ વાંકો નહીં થાય. આટલું કહેતા કર્ણ નીચે બેસી ફરી રડવા લાગે છે અને કૃષ્ણ તેણે સંભાળતા ઊભા કરતા કરતા કહે છે, ભાઈ ! તું રસ્તો બદલી દે અને પછી કર્ણ જે વાક્ય વાપરે છે ને બાપ ! એ સાંભળતા જ હાથ પગના રુંવાડા ઊભાં કરી દે છે.
એ કહે છે કે, હે ! ગોવિંદ ! દુર્યોધન જેવો છે તેવો મારો મિત્ર છે. અને મિત્રને હું દગો આપું તો મારી માનું ધાવણ લાજે.”બસ, આ વાક્ય બોલતાની સાથે જ આકાશ વરસી પડે છે અને કૃષ્ણ અને કર્ણ આસું અને વરસાદ સાથે ભીંજાઈ જાય છે. કર્ણ અને દુર્યોધનની સાચી મિત્રતાની પરીક્ષા ત્યારે થાય છે,જ્યારે કર્ણ પોતાના કવચ અને કુંડળ ગુમાવી બેસે છે.
કર્ણ કુંતી અને કૃષ્ણની પરીક્ષામાં પાસ થાય છે. અને દુર્યોધન મૈત્રીની પરીક્ષામાં ઉણો ઉતરે છે. પન્નાલાલ પટેલ બહુ સરસ રીતે દુર્યોધન અને કર્ણની મન:સ્થિતિનું વર્ણન કરે છે. જ્યારે મિત્રતા નિભાવતા નિભાવતા કર્ણ પાસે કશુંય નથી રહેતું ત્યારે દુર્યોધન કહે છે, “તું તો સદાનો કર્ણ છે પણ તે તો આજે અમને કાયમના દીન કરી દીધા આંખના ખૂણા લૂછતાં દુર્યોધન કહે છે “કર્ણને ખબર નથી કે દુર્યોધનના રાજની શોભા કવચધારી કર્ણને લીધે ટકેલી હતી. હવે તે વિધવા થઇ ગઈ છે.
પછી કર્ણ મિત્ર દુર્યોધનને ભેટતા કહે છે કે “ભાઈ મેં કવચ અને કુંડળ ખોયા છે, ધનુરવિદ્યા નથી ખોઈ..”અહીંયા કર્ણની ખુમારી અને નિસ્વાર્થ મૈત્રીના દર્શન થાય છે.મિત્રો જીવનમાં મિત્રોનું હોવું ખૂબ જરૂરી છે. કેમ કે વ્યક્તિ દિવસના અંતે મનથી ખૂબ જ ભરાઈ ગયો હોય છે અને હંમેશા તેનું હૃદય કોઈકની ઝંખના કરતુ હોય છે. તેને પણ ખાલી થવા માટે કોઈકનો સહારો જોઈતો હોય છે.
માતા પિતા ભાઈ અને પરિવારતો હોય છે જે હંમેશા પડખે હોય છે, પરંતુ જીવનની અમુક ઑફસ્ક્રીન બાબતો એવી હોય છે, જેમાં કોઈ મલ્ટીપલ ઓપ્શન ના હોય. તે બસ એક જગ્યાએથી જ ઓન થઇ શકે.. બસ તે ઓન કરવાનું બટન એ જ મિત્ર, જેના થકી જીવનની બધી જ બાબતો ઠલવાઈ જાય, હળવા થઈ જવાય, ચિંતાઓના ઘેરાવમાંથી થોડા સમય માટે તો બહાર નીકળ્યા હોય એવુ લાગે જ. તમારી પાસે પણ એવો કોઈક ખૂણો હોય તો ગર્વ કરજો અને તેને સાચવી લેજો. આશા છે કે, આ લેખ વાંચતા વાંચતા તમે તેની યાદમાં ખોવાયા હશો… અહેવાલ સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “