રિપોર્ટ અનુજ ઠાકર
ગુજરાતી સિનેમામાં ફરી એકવાર પરિવાર, સિદ્ધાંતો અને સંજોગોની રમુજભરી અથડામણ જોવા મળશે. સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા અને વૈશાલી ઠક્કર અભિનિત ગુજરાતી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે, જે દર્શકોને પેટ પકડીને હસાવવાનું વચન આપે છે.
ટ્રેલર એક મધ્યમ વર્ગીય, સિદ્ધાંતપ્રિય અને આખાબોલા કનૈયાલાલની આસપાસ ફરતું જોવા મળે છે. 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી કર્યા બાદ નિવૃત જીવન જીવી રહેલા કનૈયાલાલ (સિદ્ધાર્થ રાંદેરિયા) પોતાના નિયમો અને મૂલ્યોને જીવનનું કેન્દ્ર માને છે. તેમની પત્ની (વૈશાલી ઠક્કર) અને પરિવાર ઈચ્છે છે કે નિવૃત્તિ બાદ કનૈયાલાલ જીવનનો આનંદ માણે અને કંટાળે નહીં.
પરંતુ જીવન હંમેશા યોજના મુજબ ચાલતું નથી. અચાનક આવી પડેલી એક પરિસ્થિતિ કનૈયાલાલને એવા માર્ગે દોરી જાય છે, જ્યાં તેને પોતાના જ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન મુકવું પડે છે. કનૈયાલાલનું સંવાદ –
“સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે, અને પરિવારથી મોટો કોઈ સિદ્ધાંત હોતો નથી” – ફિલ્મની ભાવના સ્પષ્ટ કરી દે છે.
આ સંજોગોમાં પતિ-પત્ની એક એવો નિર્ણય લે છે, જે તેમને ગૂંચવણો, રીત-રિવાજો અને સમાજની માન્યતાઓના વાવાઝોડામાં ફસાવી દે છે. પરિસ્થિતિ ત્યારે વધુ મજેદાર બને છે, જ્યારે પોલીસ અધિકારીની ભૂમિકામાં હિતુ કનોડિયા કનૈયાલાલની પાછળ પડે છે અને કનૈયાલાલ મજાકિયા અંદાજમાં કહે છે,
“એનું નામ ગોવર્ધન છે, પણ મારો તો નાથ ગોવર્ધન છે!”
ફિલ્મ ‘સ્લાઇસ ઑફ લાઇફ’ શૈલીમાં રોજિંદી જીવનની નાની-મોટી ગૂંચવણોને હાસ્ય, લાગણી અને સંબંધોની ઉષ્મા સાથે રજૂ કરે છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને વૈશાલી ઠક્કર સાથે આ ફિલ્મમાં અનેરી વજાણી અને શ્રેય મારડિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
SVF એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ધર્મેશ મહેતાએ કર્યું છે. ફિલ્મનું સંગીત ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પૂરોહિતે તૈયાર કર્યું છે, જ્યારે શાન, અમિત ત્રિવેદી અને પાર્થિવ ગોહિલ જેવા જાણીતા ગાયકોના સ્વરમાં ગીતો સાંભળવા મળશે.
હાસ્ય સાથે સંદેશ આપતી ‘જય કનૈયાલાલ કી’ પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી મનોરંજક ફિલ્મ બનશે એવી અપેક્ષા ટ્રેલર પરથી ચોક્કસ ઉભી થાય છે.
















