સ્નેહ એ જ સૃષ્ટિનો સમ્રાટ છે.એટલે જ કહેવાય છે કે સબસે ઊંચી પ્રેમસગાઈ.પ્રેમનો સંબંધ જ સૌથી ઊંચો સંબંધ છે.માનવજીવનમાં પોતાનાને સૌ પ્રેમ કરે પણ પારકાને પોતાનો બનાવે તેનું નામ સ્નેહ.આપણે જુદા ગામના હોઈએ,
જુદી કોમના હોઈએ,જુદા ધર્મના હોઈએ છતાં સ્નેહ થયો તો એ વ્યક્તિ વચ્ચે સંબંધ બંધાય છે અને બંને પારકા હોવા છતાં પોતાના બની જાય છે.જે સ્નેહનું મહત્વ બતાવે છે.
સ્નેહ એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત છે.નાના બાળકથી માંડીને મોટેરાને પણ સ્નેહ જ જીવંત રાખે છે.સ્નેહ વિના મનુષ્યના જીવનની કોઈ સાર્થકતા નથી.સ્નેહ આપીએ તો સ્નેહ મળે છે.આજે ભૌતિક સંપત્તિ ની બોલબાલા વધી છે,છતાં સ્નેહની સંપત્તિની બોલબાલા આજે પણ જોવા મળે છે,જે બતાવે છે કે સ્નેહ સૃષ્ટિનો સમ્રાટ છે.
રામાયણ એક મહાકાવ્ય છે જેમાં પરિવાર ભાવના અનન્ય છે.રામાયણમાં રઘુકુળના આદર્શોની ઝાંખી થાય છે અને વધુમાં એકબીજા પ્રત્યેનો સ્નેહ અનન્ય છે.રામાયણમાં રામ અને સુગ્રીવની મૈત્રી અને એકબીજા પ્રત્યેનો સ્નેહ અલૌકિક છે.તેઓ સાથે જ જીવ્યા અને સાથે જ મર્યા.
આવી અનુપમ મૈત્રી અને એકબીજા પ્રત્યેનો સ્નેહ જવલ્લે જ જોવા મળે. પરસ્પર મૈત્રી અને એકબીજાને સહાય કરવાના સોગંધ લીધા હતા પછી રામે વાલીને મારીને સુગ્રીવ નું કામ પૂરું કર્યું હતું.રામ જ્યારે રઘુકુળના આદર્શ મુજબ પિતૃ વચનનો એક પણ મિનિટનો વિચાર કર્યા વિના વનવાસ જાય છે ત્યારે સૌ અયોધ્યા વાસીઓ રામ પ્રત્યેના સ્નેહને કારણે તેઓ પણ રામની સાથે વનમાં જવા તૈયાર થાય છે.
ભરત ને પણ પોતાના મોટાભાઈ રામ પ્રત્યે સ્નેહ હોવાને કારણે પોતે અયોધ્યાના સિંહાસન પર બેસતા નથી પણ રામની પાદુકાઓ મૂકી તે રાજ્યની જવાબદારી નિભાવે છે.લક્ષ્મણ પણ પોતાના મોટાભાઈ પ્રત્યેના સ્નેહ ના કારણે પળનો પણ વિચાર કર્યા વિના રામ અને સીતાજી સાથે વનમાં જાય છે.રામ જ્યારે રાવણ વધ કર્યા બાદ વનવાસ પૂરો કરી અયોધ્યા પરત ફરી રહ્યા છે તે જાણી સૌ પૂરા આદર સત્કાર અને સ્નેહપૂર્વક રામ, સીતા અને લક્ષ્મણનું સન્માન કરવા હરખપદૂડા બની ગયા હતા.આમ સ્નેહ એ આ સૃષ્ટિનો સૌથી મોટો સમ્રાટ છે.
પૂ.મોરારીબાપુ પ્રેમને જ દેવ માનવાનું જણાવે છે તે સાચું જ છે.કારણકે ભગવાન પણ ભાવનાના એટલે કે સ્નેહના જ ભૂખ્યા હોય છે.ભગવાન પ્રત્યે સ્નેહ હોય તો જ ભગવાનનો રાજીપો આપણને મળે છે.પ્રેમ જેવી અફલાતુન ચીજ બીજી કોઈ નથી.પ્રેમમાં ખુમારી અને ખાનદાની હોય છે.પ્રભુ ઈશુએ તો દુશ્મનને પણ ચાહવાની વાત કરી છે,કારણકે દુશ્મનને ચાહવાથી તે મિત્ર બની જાય છે.માતાપિતા ને પોતાના બાળકો શ્યામ હોય,કદરૂપા હોય તો પણ સુંદર લાગે છે,કારણકે માતાપિતાને પોતાના બાળકો પ્રત્યે સ્નેહ હોય છે.એવું જ બાળકો પણ માતાપિતાને સ્નેહ કરે છે,તેથી બાળકોને તેમનાં માતાપિતા મહાન લાગે છે.
ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે લોકોને સ્નેહ છે,તેથી તેમને માધુર્ય ના સ્વામી ગણે છે અને તેમના એકે એક અંગ અને એકે એક ક્રિયા ભક્તોને મધુર લાગે છે.જે બતાવે છે કે સ્નેહ દોષને પી જાય છે.સ્નેહના અનેક પ્રકાર છે.માતૃસ્નેહ, પિતૃસ્નેહ, પતિસ્નેહ, પત્નીસ્નેહ, બંધુસ્નેહ, ભાગિનીસ્નેહ,મિત્રસ્નેહ,પુત્રસ્નેહ વગેરે.આ જગતમાં વશીકરણ નો મોટામાં મોટો મંત્ર સ્નેહ છે.સ્નેહ જ જીવનને જીવંત બનાવે છે.એક વખત એક રાજાએ સિપાહીને નગરમાંથી સૌથી સુંદર બાળકને શોધી લાવવા કહ્યું,
આખા નગરમાં તપાસ કરવા છતાં સૌથી સુંદર બાળક સિપાહીને ના મળ્યું.તેથી તે નિરાશ થઈ ગયો અને નિરાશ વદને પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની એ પૂછ્યું,”આજે કેમ ઉદાસ છો?ત્યારે તેણે રાજાએ પોતાને સોંપેલાં કામ વિશે જણાવ્યું.ત્યારે તેની પત્નીએ કહ્યું,’અરે તમે તો ખરા છો,આપણો લાલો શું ખોટો છે?આપણો લાલો સુંદર જ છે ને? તમે જ કહો આપણો લાલો સુંદર છે કે નહીં? સિપાહીએ જવાબ આપ્યો “હા,આપણો લાલો સુંદર છે’ .
પત્નીએ કહ્યું,તો પછી તમે હતાશ શુ કામ થાવ છો? રાજા પાસે આપણા લાલાને લઇ જાવ,’ ત્યારબાદ સિપાહી પોતાના લાલાને રાજા પાસે લઈ ગયો અને સૌથી સુંદર બાળક તરીકે તેને રજૂ કર્યો.રાજાએ તેના કામથી ખુશ થઈ મોટુ ઇનામ આપ્યું.
આમ,સ્નેહ જ સૃષ્ટિનો સમ્રાટ છે.સ્નેહ હોય તો જ સૃષ્ટિ સુંદર લાગે છે.તેથી તો કહ્યું જ છે કે,’ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય.’આવો આપણે સૌ નવા વર્ષના પ્રારંભે સ્નેહના તાંતણે બંધાઈને માનવ સૃષ્ટિ ની શોભા વધારીએ અને જીવનને સુખદાયી, ફળદાયી અને લાભદાયી બનાવી નવા વર્ષને પ્રગતિકારક અને મંગલકારી બનાવીએ. સૌને મારા સ્નેહપૂર્વક નવા વર્ષના જય શ્રીરામ અને જયશ્રીકૃષ્ણ…
રિપોર્ટર પૂજા રાઠવા આણંદ
















