અકલ્પનિય લાગણી અનુભવું છું.. ઘણીવાર તો બધું સપના જેવું લાગે છે. આજે ફરીવાર મમ્મીને યાદ કરી.પેલી દૂધ શાકના હિસાબવાળી નાની ડાયરી ને યાદ કરી,જે એક લોંખડના કાટ ખાઈ ગયેલા કબાટ ઉપર મમ્મી રોજ મૂકતી અને હિસાબ કરતી અને હું ફરી તે જ ડાયરીમાં મારા કાલા ઘેલા શબ્દો કંડારતી. જીવનમાં ગમે તેટલા આગળ વધી જઈએ પણ શું સંઘર્ષના દિવસો ભુલાય છે મિત્રો?આજે આ મુકામે પહોંચતા બધું યાદ આવે છે.
આજે હું જે કંઈ મેળવી શકી છું તે બધો જ શ્રેય હું મારા વાંચકોને આપું છું.સાચું કહું તો આ બુક મે ફક્ત મારા આત્મસંતોષ ખાતર લખેલી મે સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા શબ્દોને આટલો બધો પ્રેમ મળશે. હું તો હજુ શબ્દોથી ભાખોડીયા ભરતા શીખતી હતી ત્યાં આપ સૌએ મારી આંગળી ઝાલીને મને જગતના મંચ પર ચાલતા શીખવ્યું. આપ સૌએ મને સતત સ્નેહ,પ્રેરણા આપી કેસૂડા માફક ખીલવી છે તો મારા જીવનની આ વસંતના હકદાર આપ સૌ છો અને હંમેશા રહેશો. આમ જોવા જઈએ તો લોકોનો પુસ્તક અને વાંચવાનો પ્રેમ ઓછો થતો જણાય છે પણ જ્યારે આવો સફળ અનુભવ થાય ત્યારે સમજાય છે કે હજુ પણ વાંચકોની છાતીમાં વાંચન ધબકે છે.અને ધબકતું રહેવું પણ જોઈએ.
મિત્રો માફી માંગીશ ક્યારેક ક્યારેક લીંકના માધ્યમથી બુક નું બુકીંગ કરવામાં તકલીફ પડી હશે છતાં પણ આપ સૌના વાંચન પ્રેમે બીજી બધી પદ્ધતિઓ ગૂગલ પે, ફોન પે, કેશ જેવી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરીને આપ સૌએ ધમા કેદાર બુકીંગ કરાવ્યું અને 405 બુક આજની તારીખ સુધીનું બુકીંગ છે અને આશા રાખું છું હજુ પણ ઘણી આવૃત્તિઓ આપ સૌના પ્રેમ થકી બહાર પાડી શકું..
અને સરવાળે તો આ બધું પુણ્યના ખાતામાં જવાનુ છે એ પણ કહીં દઉં.હું આપ સૌની પુસ્તક જલ્દી મળેની ચાહના સમજી શકું છું પ્રોસેસ પણ ચાલુ છે હવે ટૂંક જ સમયમાં બુક તમારા હાથમાં અને નજર સમક્ષ હશે.મિત્રો હું આભારી છું આપ સૌની..હું આભારી છું બલ્કમાં બુકિંગ કરાવી મને પ્રોત્સાહિત કરનારની..હું આભારી છું ZCAD publication અને એના ફાઉન્ડર મનીષભાઈ પટેલની…
હું આભારી છું મારાં પરિવારજનોની..
પુનઃ આનંદ સાથે આપ સૌની કૃતજ્ઞી…
– સુચિતા ભટ્ટ પંડ્યા
બસ આપ સૌ ના આશિષ, શુભકામનાઓ અને પ્રેમની હું ઋણી અને ઇચ્છુક રહીશ.
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “