રિપોર્ટ: અનુજ ઠાકર
અમદાવાદ, 12 સપ્ટેમ્બર:
ગુજરાતી ફિલ્મ જગતમાં આજે એક નવી ઉમંગ લાવતી ફિલ્મ ‘ફરી એક વાર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન અખિલ કોટક દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે મધુ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે તેનું નિર્માણ કર્યું છે.
ફિલ્મમાં પ્રખ્યાત અભિનેત્રી સુપ્રિયા પાઠક અને દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તેમની સાથે નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવની મોદી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે.
ફિલ્મની વાર્તા આજના સમયના એક મહત્વના સામાજિક મુદ્દાને સ્પર્શે છે. અનેક યુવાઓ તેમજ સિનિયર સિટિઝન એકલવાયું જીવન જીવતા જોવા મળે છે. લેખિકા કાજલ મહેતા જણાવે છે કે સમાજમાં અનેક લોકો ડિવોર્સી, વિધવા-વિધુર કે પછી જીવનભર અવિવાહિત રહી જાય છે. ફિલ્મ એ સંદેશ આપે છે કે – જીવન ગમે તે ઉમરે હોય, તેને ફરીથી નવી શરૂઆત આપી શકાય છે.
ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અનેક લોકેશન પર થયું છે. પ્રેક્ષકોમાં આ ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા જોવા મળી રહી છે અને રિલીઝના પ્રથમ દિવસે જ તેને સારી પ્રતિસાદ મળવા લાગ્યો છે.