રિપોર્ટ: અનુજ ઠાકર.
અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા ફક્ત મહિલાઓ માટે “રોયલ રાની ગરબા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ શનિવારે મહિલાઓનો ઉત્સાહ ઓતપ્રોત જોવા મળ્યો.
શાહી પિંક કલરના કોરચ્યુમમાં સજ્જ મહિલાઓએ જ્યારે ગરબે ઘૂમવાનું શરૂ કર્યું ત્યારે સમગ્ર હોલ રંગીન ઝગમગી ઉઠ્યો. લેટેસ્ટ અને મોસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતી ગીત “તને જોઇને દિલ મારું ડોલે કે પાંજરામાં પોપટ બોલે…” પર મહિલાઓએ ત્રણ તાળીની સાથે ગરબા કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ વાત એ રહી કે લગભગ ૨૦૦ “રોયલ રાનીઓ”એ એકસાથે તાલબદ્ધ ગરબો કરી કાર્યક્રમને વિશેષ બનાવ્યો.
માત્ર નૃત્ય જ નહીં, પરંતુ આ કાર્યક્રમમાં મહિલાઓની કલાત્મક પ્રતિભા પણ પ્રદર્શિત થઇ. ૫૦થી વધુ બહેનોએ એક્ઝિબિશનના સ્ટોલ્સ દ્વારા વિવિધ હસ્તકલા, ફેશન, આર્ટ અને ફૂડના સ્ટોલ્સ લગાવ્યા હતા. આ રીતે આ ગરબો માત્ર મનોરંજન પૂરતો જ સીમિત ન રહી, પરંતુ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રતિક પણ સાબિત થયો.
“રોયલ રાની ગરબા”એ શહેરની મહિલાઓને અનોખો આનંદ અને ઉત્સાહ આપ્યો, જે આગામી દિવસોમાં પણ સૌના હૃદયમાં યાદગાર બની રહેશે.