ભારતીય સંસ્કૃતિ માં નારી માટે વસ્ત્ર અને શૃંગારનું ઘણું મહત્વ રહ્યું છે. નારી ની સુંદરતા ભારતીય વસ્ત્રોમાં નીરખી ઉઠે છે. ભારતીય પહેરવેશ ને પ્રાધાન્યતા આપવા માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો ૨૦૨૩ નું આયોજન આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું.
આ ફેશન શો માં ભરૂચ જિલ્લાની ૧૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ભારત ના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હન ના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું હતુ. આ સ્પર્ધામાં જજ ની પેનલ દ્વારા તેઓનો આત્મવિશ્વાસ, હાવભાવ, ચાલ અને સ્પર્ધા ને અનુરૂપ પહેરવેશ વગેરે નું ધ્યાન રાખી નિર્ણય કરવામાં આવ્યો હતો.
જેમાં નિર્ણાયક તરીકે મીસીસ ઈન્ડિયા ધ ગ્રાન્ડ બ્યુટી અને એક્ટ્રેસ દર્શિના બારોટ, બ્યુટીશીયન અને નેચરોથેરાપીસ્ટ ડોક્ટર અમિષા ઠક્કર તથા મીસીસ પ્લેનેટ સ્ટાઈલીસ્ટ શ્રધ્ધા ઠક્કર એ જજ તરીકે ની સેવા આપી હતી. ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો ના આયોજક તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશ પટેલ અને હેમાબેન પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆત માં સંસ્થાના સેવાકીય કાર્યો નો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાન પ્રમુખ ભાવનાબેન સાવલીયા એ સંસ્થા વિશે પરિચય આપ્યો હતો. ભરૂચ ના જાણીતી સમાજ સેવી સંસ્થાના પ્રમુખશ્રીઓ, બ્યુટી પાર્લર ના માલિકોએ હાજર રહી સ્પર્ધકોને ગીફ્ટ વાઉચર આપી પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક, પ્રમુખ અને જજ દ્વારા વિજેતાઓને ટ્રોફી આપી તાજ પહેરાવી સન્માનિત કર્યા હતા.
અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે તથા તેમની ટીમ આ પ્રસંગે હાજર રહી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા સ્કૂલ ના મનો દિવ્યાંગ બાળકો દ્વારા ખુબ સુંદર કૃતિ રજુ કરી સંસ્કૃતિ ટ્રસ્ટ ના બહેનો સાથે રેમ્પ વોક કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.