રિપોર્ટ: અનુજ ઠાકર.
અમદાવાદ ના કાંકરિયા તળાવ પાસે આવેલ EKA એરેના ખાતે 11 ઑક્ટોબરના રોજ યોજાનાર ફિલ્મફેર અવોર્ડ્સ 2025 માટે આખા ગુજરાતમાં ઉત્સાહનું વાતાવરણ છે. આ વખતે આ પ્રખ્યાત અવોર્ડ્સનો કાર્યક્રમ ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહ્યો છે, અને એ પણ ખાસ — બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન 17 વર્ષ પછી ફરી એકવાર આ પ્રતિષ્ઠિત ઈવેન્ટને હોસ્ટ કરશે!
ફિલ્મફેરની આ 70મી આવૃત્તિ છે, અને ગુજરાતીઓ માટે આ એક ઐતિહાસિક ક્ષણ સમાન છે. અત્યાર સુધી મુંબઈ અને અન્ય મહાનગરોમાં યોજાતા આ કાર્યક્રમને આ વખતે અમદાવાદના હ્રદયસ્થળે આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ગુજરાતના ફિલ્મ ઉદ્યોગ માટે પણ ગૌરવની વાત છે.
શાહરૂખ ખાન છેલ્લે 2008માં 53મા ફિલ્મફેર અવોર્ડ્સ માટે હોસ્ટ તરીકે જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ અનેકવાર ફિલ્મફેરના મંચ પર પ્રસ્તુત થયા, પણ હોસ્ટ તરીકે નહીં. હવે 17 વર્ષ પછી, તેઓ ફરી એકવાર એ જ તેજસ્વી મંચ પર પોતાના હાસ્ય અને સ્ટાઇલથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે.