રિપોર્ટ: અનુજ ઠાકર
દ્રષ્ટિવાન આર્કિટેક્ટ, સુંદર અવાજની માલિક અને ફિલ્મ અભિનેત્રી તરીકે ઓળખાતી તેમજ જરૂરિયાતમંદો માટે “સાચા હમરાહી” ની ભૂમિકા ભજવનારી કશિશ રાઠોરના જન્મદિન નિમિત્તે એક અનોખું પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન “ધ મેમરી લેન્ડ” નું આયોજન થયું હતું.
આ પ્રદર્શન અમદાવાદના ઐતિહાસિક હઠીસિંગ આર્ટ ગેલેરી ખાતે યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક સેલના પ્રમુખ શ્રી જનક ઠક્કર તથા ગુજરાતના ‘બિગ બી’ તરીકે જાણીતા શ્રી બંકિમ પાઠકના હસ્તે ભવ્ય રીતે થયું.
હમરાહી ફાઉન્ડેશનના સ્થાપક તરીકે કશિશ રાઠોરની મજબૂત માન્યતા રહી છે – “કલા ને સેવા નું સાધન બનાવો” – જેને આધારે આ પ્રદર્શનનું મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ કલાકારોને એક મંચ આપવાનો હતો, જેથી તેમની અંદર છુપાયેલ અનમોલ કળાને જગત સમક્ષ લાવી શકાય.
21થી 23 જુલાઈ દરમિયાન ચાલેલા આ કલાપ્રદર્શનને વિશિષ્ટ સન્માનિત મહેમાનોનું સાથ મળ્યું હતું. હાસ્યલેખક અશોક દવે, પ્રખ્યાત આર્કિટેક્ટ યતીન પંડ્યા, ટાફ ગ્રુપના તન્મય શેઠ, ફિલ્મ પ્રોડ્યુસર વૈશલ શાહ, ‘દિવ્ય ભાસ્કર’ ના CEO સંજીવ ચૌહાણ, ઉદ્યોગપતિ ભરત છાજર અને અનિલ અગરવાલ, AR કુલીન, તેમજ અન્ય અનેક કલાકારોએ ઉપસ્થિત રહી પ્રદર્શનને પોતાની હાજરીથી વિશેષ બનાવ્યું.
પ્રદર્શનમાં રજુ થયેલ કૃતિઓ માત્ર સુંદર દૃશ્યો નહિ, પણ કશિશ રાઠોરની જીવનયાત્રાની યાદગાર પળોનું પ્રતિનિધિત્વ કરતી તસવીરો પણ હતી. આ કલાપ્રદર્શનમાંથી મળેલ રકમ હમરાહીના સેવાકાર્યોમાં વપરાશે – જે કશિશ રાઠોરની કરૂણાપૂર્ણ ભાવનાને સાકાર કરે છે.
જન્મદિનની ઉજવણી દરમિયાન કશિશ રાઠોરે પોતે દત્તક લીધેલ બાળકો તથા સ્મિત ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોથી મુલાકાત લીધી. તેઓ સાથે ભોજન કર્યું, રમતો રમી, ગીતો ગાયા અને પ્રેમભરી ભેટો આપી તેમને ખુશીઓથી ભરપુર ક્ષણો આપી.
“ધ મેમરી લેન્ડ” માત્ર એક પ્રદર્શન નહોતું – તે કલા, લાગણી અને સેવાનાં સંગમનું પ્રતિબિંબ હતું.