રિપોર્ટ: અનુજ ઠાકર.
નવરાત્રીના રંગીન તહેવારમાં અમદાવાદ શહેરે બોલીવૂડ સ્ટાર્સનું ભવ્ય સ્વાગત કર્યું. કરણ જોહરની નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ શહેરમાં પ્રમોશનલ ઇવેન્ટ માટે આવી હતી.
વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પોલે અમદાવાદના દર્શકો સાથે મુલાકાત લીધી. સ્ટાર્સે ફેન્સ સાથે ગરબાની રમઝટ માણતાં કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો.
ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ ફિલ્મની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. રોમાંસ, કોમેડી, કન્ફ્યુઝન અને ઈમોશન્સથી ભરપૂર સ્ટોરીલાઈન દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહી છે.
ફિલ્મની કથાવસ્તુ પ્રમાણે વરુણ ધવનનું પાત્ર સાન્યા મલ્હોત્રાને પ્રેમ કરે છે, પરંતુ સાન્યા રોહિત સરાફ સાથે લગ્ન કરવા તૈયાર છે. બીજી તરફ રોહિતનું પાત્ર જાહ્નવી કપૂરનો ભૂતપૂર્વ પ્રેમી હોવાનું સામે આવે છે. પરિસ્થિતિએ વરુણ અને જાહ્નવી બંનેને એકબીજા નજીક લાવી દીધા છે. તેઓ પોતાના દિલના દુઃખને દુર કરવા માટે સાથે મળીને એક યોજના ઘડે છે – જેમાં એકબીજાના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોવાનો દેખાવ કરવો પડે છે.
આ અનોખી સ્ટોરીને હળવા મિજાજની કોમેડી, મીઠો રોમાંસ અને ઈમોશનલ પળો સાથે પરોઢવામાં આવી છે.
અમદાવાદની નવરાત્રીમાં સ્ટાર્સની હાજરીએ ચાહકોના ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.