એક વાર એક જ્યોતિષશાસ્ત્રી એક ગામમાં આવ્યા. બધા લોકો પોતાના ભવિષ્યમાં શુ થશે અને શુ નહી થાય એ જાણવાના ઉત્સાહ સાથે સૌ એ જ્યોતિષશાસ્ત્રી પાસે ગયા.
એવામાં ગામમાં કોઈ ભવિષ્ય ભાખનારું આવ્યું છે એ જાણી એક સ્ત્રી પણ પોતાના બાળકને લઈને તેના વિદ્યાભ્યાસનું ભવિષ્ય જોવા આવી પહોંચી, એકપછી એક વ્યક્તિનો વારો આવે. આ સ્ત્રીનો વારો આવ્યો, પોતાના બાળકને તેમની પાસે બેસાડયું અને કહ્યું મારુ બાળક કેટલું ભણશે એના વિદ્યાભ્યાસ વિશે મારે જાણવું છે.
જ્યોતિશશાસ્ત્રીએ બાળકનો હાથ જોયો અને ખૂબ જ આશ્ચર્ય સાથે બોલ્યા, “બેન માફ કરશો, તમારા બાળકના હાથમાં વિદ્યારેખા જ નથી” એ સ્ત્રી તો ત્યાં જ રડી પડી, અને મનોમન ભગવાનને દોષ આપવા લાગી, હીબકાં ભરતી એ સ્ત્રી ઘરે પાછી ફરી, એના હીબકાં સાર્થક હતા, એક મા બાપ તરીકે પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકને ઉચ્ચ અભ્યાસ અપાવવાના કોડ હોય, એ કોડને ધૂળધાણી થતા જોઈ એ સ્ત્રીની આંખોમાંથી અશ્રુધારા સતત વહેતી હતી.
એ સ્ત્રીને રડતા જોઈ બાળકે પૂછ્યું, “મા કેમ રડો છો?” મા એ જ્યોતિશશાસ્ત્રીએ કહેલી વાત દીકરાને કહી, દીકરાએ પૂછ્યું, “મા, એ વિદ્યારેખા હાથમાં ક્યાં હોય?” મા એ દીકરાને તેના હાથમાં વિદ્યારેખા બતાવી.
દીકરો દોડતો રસોડામાં ગયો અને તીક્ષ ચાકુ લઇ પોતાના હાથમાં છેદન કર્યું, લોહીની ધારા વહેવા લાગી, મા એ બાળકને પોતાના ખોળામાં લઈ લીધો અને ખૂબ જ ચિંતાતુર થઈને પૂછ્યું, “આ બેટા તે શું કર્યું?”, એ પાંચ વર્ષના દીકરાએ મા ને જવાબ આપ્યો, કદાચ ભગવાન મારા હાથમાં વિદ્યારેખા દોરતા ભૂલી ગયા હશે એટલે એ રેખા મેં દોરી દીધી, મા તું ચિંતા ના કર હું ભણીશ, ખૂબ જ ભણીશ.
એ દીકરો મોટો થાય છે, બી એ બી.એડ. એમ એ બી. એડ. થાય છે. વિદેશ જઈ પીએચડીની ડિગ્રી પણ મેળવે છે અને ત્યાંની યુનિવર્સિટીમાં પ્રોફેસર બને છે, ફરી ભારત પાછા ફરે છે, અને અવારનવાર વિઝિટર લેક્ચરર તરિકે વિદેશ જાય છે. એ બાળકનું નામ માત્ર હું એકલી જ નહીં આપ સૌ પણ જાણતા હશો.
જેણે આપણા દેશના રાષ્ટ્રપતિની પદવી પણ પ્રાપ્ત કરેલી એવા શ્રી ડૉ.રાધાકૃષ્ણન સર્વોપલ્લી. જેનો જન્મદિન આજે શિક્ષકદિન તરીકે ઉજવાય છે.
ઘણીવાર ભગવાન કંઈક આપતા ભૂલી જાય તો જાતે મેળવી લેવાની શક્તિ કેળવવી એ જ પડકારભર્યું જીવન, જીવવા ખાતર તો સૌ જીવે છે પરંતુ હજારો વાદળોને ચીરતું સૂર્યનું કિરણ જેમ ધરતી પર પડે અને ધરતી ચકચકિત થઈ જાય બસ જેવી જ રીતે હજારો પડકારોમાંથી સૂર્યના કિરણ માફક હસતા હસતા પસાર થઈ દુનિયામાં આપણું નામ પ્રજ્વલ્લિત કરવાનું છે.
જો નાનપણથી જ બાળકને સાચી સમજ આપવામાં આવે અને તેના દરેક સારા કાર્યોને સપોર્ટ કરવામાં આવે તો એ બાળક મોટું થઈને રાષ્ટ્રપ્રેમી બનશે અને પોતાનું તથા પોતાના કુળનું નામ આગળ વધારશે એ વાત નક્કી છે. જે નથી મળ્યું બસ એને મેળવવામાં સંપૂર્ણ શક્તિ ખર્ચી નાખવી એક દિવસ ભગવાન પણ નમી જશે તમને સફળતા આપવામાં એ હકીકત છે…..
“અંકિતા મુલાણી રિચ થીંકર”