Gandhinagar

માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડલ તાલુકાના ઉઘરોજ ગામે વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજના ૨૧મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નવયુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ‘વિરાસત ભી, વિકાસ ભી’ નો મંત્ર ચુંવાળ પ્રદેશની ભૂમિ પર સાકાર થઈ રહ્યો છે. આ પ્રદેશમાં એક તરફ બહુચરાજી મંદિર, રૂદાતલ ગણેશ મંદિર, ઉઘરોજ જૈન તીર્થ, કુંતેશ્વર મહાદેવ જેવી પ્રાચીન વિરાસતો છે, તો બીજી તરફ આ વિસ્તાર ઔદ્યોગિક પ્રગતિથી વિકાસનો પર્યાય બન્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસના કારણે અહીં આવીને વસેલા દેશભરના વિવિધ રાજ્યોના લોકો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની સંકલ્પના સાકાર કરી રહ્યા છે તથા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્ર પણ અહીં ચરિતાર્થ થઈ રહ્યો છે.

સમૂહ લગ્નોત્સવ પ્રસંગના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજસેવાના ઉદારભાવ સાથે જ્યારે કોઈ જ્ઞાતિ, સમાજ કે પરિવાર સંકળાય અને તેને સૌનો સાથ સાંપડે ત્યારે કેવું મોટું કામ થઈ શકે તેની સાક્ષી આપતો અવસર આજે અહીં ઉજવાઈ રહ્યો છે. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાની ભાવના વિકસે છે તથા રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને વેગ મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અહીંયા ગુજરાત ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા દસકામાં ૧૭ હજાર જેટલા લાભાર્થીઓને ૧૮૧ કરોડથી વધુની સહાય આ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ઠાકોર સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પણ આ બોર્ડ સહાય આપે છે.

ઠાકોર સમાજ હવે સમય સાથે કદમ મિલાવીને જાગૃત બનીને આગળ વધી રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ સમાજ દ્વારા અનુસરવામાં આવેલી સપ્તપદીની સાત નવીન સામાજિક પહેલોને બિરદાવી હતી. વડાપ્રધાનદ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પને અપનાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ નવ પરણિત યુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોગ્ય આયોજન થકી સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઇના પાણીની પૂરતી સુવિધા મળી રહી છે.

ઠાકોર સમાજમાં આજે વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ આવી છે. સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવીને દરેક તાલુકા મથકે શૈક્ષણિક સંકુલો ઊભા કરવામાં યોગદાન આપે તથા સમાજ સંગઠીત બનીને આગળ વધે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે નવદંપતીઓને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોને સતતપણે સરકારનો સાથ અને સહકાર સાંપડ્યો છે. શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા સહિતના ક્ષેત્રે સામૂહિક અને પ્રજાલક્ષી વિકાસકાર્યો થકી આજે રાજ્યના જિલ્લાઓમાં વિકાસની સ્પષ્ટ અનુભૂતી વર્તાઈ રહી છે.

વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકામાં સતત વિકાસના કામો સાકાર થઈ રહ્યા છે. સાથે જ, તેમણે વ્યસન મુક્તિ અભિયાનમાં સહભાગી થવા અને પોતાનું યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો.

વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા, કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ ધર્મપાલસિંહે પણ આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરીને નવયુગલોને આશિર્વાદ પાઠવ્યા હતા. સમાજના પ્રમુખ ખોડાજી ઠાકોરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં ૭૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

આ પ્રસંગે વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ ખોડાજી ઠાકોર અને મહામંત્રી આર.કે.ઠાકોર, સામાજિક અગ્રણી ભાવેશભાઇ ઠાકોર, શ્રેષ્ઠીઓ, દાતાઓ, અગ્રણીઓ તથા વિવિધ સંગઠનો અને સમિતિઓના સભ્યો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રેસવાર્તા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: નેશનલ હેરાલ્ડ મામલે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ…

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સ્વર્ણિમ સંકુલ - ૨, ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *