ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના ૧૧૮ અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા.
ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના આ ગૌરવશાળી સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે.
તેમણે ચંદ્રક મેળવનારા પોલીસ કર્મીઓના પરિવારજનોને વિશેષ અભિનંદન આપતા કહ્યું કે, પોલીસની કપરી ફરજો બજાવવા માટે પરિવારનો સહયોગ, સહકાર પણ એટલો જ જરૂરી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાન-માલનો પહેરેદાર એ સહજ ભાવ સમાજમાં વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે ભરોસો અને અપાર વિશ્વાસ છે.
સમાજને રંજાડનારા તત્વો, ગુનાહિત માનસિકતા વાળા લોકોને પોલીસનો ડર રહે અને ખોટું કરે જ નહીં તેવો રૂઆબ અને રૂતબો પોલીસ વરદીનો હોય તેમ મુખ્યમંત્રીએ પોલીસ દળને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.
તેમણે પોલીસ અધિકારી-કર્મચારીને ફરજો અને સમાજ પ્રત્યેની સુરક્ષા સેવા ભાવનાની કદરરૂપે મળતું મેડલ સન્માન એ સમગ્ર પોલીસ બેડા માટે ગૌરવ ઘટના ગણાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ બેડામાં તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળે તેવા આધુનિક અને સ્માર્ટ પોલિસીંગનો વિચાર આપ્યો છે.
ગુજરાતમાં એમના દિશાદર્શનમાં ટેકનોલોજી યુક્ત સ્માર્ટ પોલિસીંગ માટે સી.સી.ટી.વી. નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આસ્વસ્ત અને સાયબર સેઈફ પ્રોજેક્ટ તથા ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ્સ સહિતના પોલીસ આધુનિકીકરણના નવતર આયામોની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે કહ્યું કે, ટેકનોલોજીથી સજ્જ પોલીસ દળને પરિણામે હવે ગુનાખોરી નિયંત્રણ અને ગુનેગારોને પકડી લેવાનું ઝડપી બન્યું છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ કાર્ટેલ અને આતંકવાદીઓના મોડ્યુલને જે રીતે ખુલ્લા પાડ્યા છે તે અભિનંદન પાત્ર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
એટલું જ નહીં, ગુજરાત પોલીસમાં નવી ભરતીમાં જે ટેક્નોસેવી યુવાઓ આવ્યા છે તેના પરિણામે માત્ર સંખ્યાબળ જ નહીં પોલીસ બેડાની શક્તિ પણ વધી છે એમ તેમણે ગૌરવ પૂર્વક જણાવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે ચંદ્રક મેળવનાર સૌ સેવાનિષ્ઠ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યમાં શાંતિ-સલામતીની જાળવણી અને સૌ નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા પાછળ આપ સૌનું યોગદાન અમૂલ્ય છે. તેમ છતાં આ અભિનંદનના પ્રથમ હક્કદાર સૌ અધિકારી કર્મચારીઓના પરિવારના સભ્યો છે, તેમણે આપેલા સમયના ત્યાગનું આ પરિણામ છે.
મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, પડકારજનક પરિસ્થિતિઓમાં આ સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓનું બલિદાન, શૌર્ય અને સમર્પણ આપણા સમાજની મજબૂતીનો આધાર છે. “President Police Medal for Distinguished Service” 25 વર્ષની નિષ્ઠાવાન સેવા અને “Police Medal for Meritorious Service” 18 વર્ષની ઉત્કૃષ્ટ સેવા ઉપરાંતના વિવિધ કડક માપદંડોને આધારે આપવામાં આવે છે, જે આ ચંદ્રક વિજેતા સૌ પોલીસ અધિકારી કર્મચારીઓના અસાધારણ યોગદાનની સાક્ષી આપે છે.
મંત્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ નિર્દોષ અને ભોળા નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નો ઉપર ખૂબ જ સંવેદના સાથે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ વ્યાજખોરોએ પચાવી પાડેલી જમીન તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ ગુજરાત પોલીસે મધ્યસ્થી કરીને નિર્દોષ નાગરિકોને પરત કરાવી દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં આવા વ્યાજખોરો સામે ડ્રાઇવ કરીને પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, યુનિફોર્મ સર્વિસમાં જ્યારે કોઈ અધિકારી – કર્મચારીના વર્દી ઉપર ચંદ્રક, પદક, કે બેઝ લાગે છે, ત્યારે આ અધિકારી – કર્મચારીના મનમાં ગર્વનો અનુભવ થતો હોય છે. આજના દિવસે જે અધિકારીઓ – કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરી અલંકૃત કરવામાં આવ્યા છે. આ પદક તેમના આત્મ વિશ્વાસમાં વધુ સારી કામગીરી કરવા ઉમેરો કરશે તેવો વિશ્વાસ છે.
આ સમારોહમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ડી.જી.પી (તાલીમ) નીરજા ગોટરુ, આઈ.જી.પી (વહીવટ) ગગનદીપ ગંભીર, રાજ્ય પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ચંદ્રક પ્રાપ્ત પોલીસ અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.