ગાંધીમાંગર, સંજીવ રાજપૂત; રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી દર્શના દેવીજીએ રાજભવન પરિસરમાં બીલીપત્રનું વૃક્ષારોપણ કર્યું હતું.
તેમણે વહેલી સવારે રાજભવનના પ્રાંગણમાં યજ્ઞશાળામાં યજ્ઞ કરીને સમસ્ત સમાજના સ્વાસ્થ્ય માટે પર્યાવરણ શુદ્ધિ માટે તથા લોકમંગલ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સમગ્ર રાજભવન પરિવારે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીને શુભકામનાઓ પાઠવી હતી.
રાજભવન પરિવાર દ્વારા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પમાં 773 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ આ રક્તદાન કેમ્પમાં એન.એસ.એસ., ભારતીય ભૂમિ સેના. એર ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, કોસ્ટ ગાર્ડ, એન.સી.સી., ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય તથા અન્ય મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા રાજભવન પરિવારના સભ્યોએ રક્તદાન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ તમામ રક્તદાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો અને માનવતાના આ કાર્યમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા.
રાજભવનમાં પ્રતિવર્ષ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવાની પરંપરા છે.