ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.એચ.)નું ઉદઘાટન કર્યું હતું.
ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે આ ઈનીસ્યેટીવઝ શરૂ થઈ રહ્યા છે તેમ આ તકે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફિન્ટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે.
આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. એટલું જ નહીં, અફોર્ડેબલ ડેટા, રોબસ્ટ બેન્કિંગ સર્વિસીસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિન્ટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતનું ગિફ્ટ સિટી, ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના IT એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ વિઝનને સાકાર કરવા સાથે જ આ ફિન્ટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે.
આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત ૨૦૨૯ સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે એવી આશા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
ગિફ્ટ સિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી.
ગિફ્ટ સિટીએ ફિન્ટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે.
એટલું જ નહીં, ગિફ્ટ સિટીના ટાવર-ટુમાં ૧૮૦૦ સ્ક્વેર ફીટ “રેડી ટુ યુઝ” જગ્યા પણ ફાળવી આપી છે. સ્ટાર્ટઅપ્સને મેન્ટરીંગ ફેસીલીટીઝ પણ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીએ ખૂબ ટૂંકા સમયમાં જ આ ફિનટેક ઈન્સ્ટિટ્યુટ અને ઈનોવેશન હબ રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત કર્યા છે, તે માટે ડો. અઢિયાએ ગિફ્ટ સિટીના સૌને બિરદાવ્યા હતા.
ગિફ્ટ સિટીના એમડી અને સી.ઈ.ઓ. તપન રે એ સ્વાગત પ્રવચનમાં ઇનોવેશન હબનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે પણ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
આ ઈનિશિયેટિવ્ઝના પાર્ટનર પ્લેટફોર્મ ‘પ્લગ એન્ડ પ્લે’ના સહ-સ્થાપક જોજો ફ્લોરેસ, એકેડેમિક પાર્ટનર્સ અમદાવાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પંકજ ચંદ્રા, આઈ.આઈ.ટી.-ગાંધીનગરના ડિરેક્ટર રજત મુના અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, ઈન્ફોર્મેશન એન્ડ ડેટા સાયન્સના ઈન્ટ્રીમ ડીન રાજેશ ગુપ્તા, એ.ડી.બી.ના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર આરતી મેહરા વગેરેએ પણ સંબોધન કર્યા હતા.
આ ઉદઘાટન સત્રમાં ફિન્ટેક સેક્ટરના અગ્રણીઓ, યુવા ઉદ્યમીઓ અને છાત્રો તથા આમંત્રિતો સહભાગી થયા હતા.