ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય વાયુ સેનાના સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના નવા વરાયેલા એર ઑફિસર એર માર્શલ નગેશ કપૂરે રાજભવન, ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને ઉષ્માભેર આવકારીને સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતામાં ભારતીય વાયુસેનાના જવાનોએ દાખવેલી અદ્વિતીય વીરતા અને અદમ્ય બહાદુરીની પ્રશંસા કરી હતી.
તા. 1લી મે, 2025 થી સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના એર ઑફિસર તરીકે જવાબદારી સંભાળનાર એર માર્શલ નગેશ કપૂર તેમની સરાહનીય સેવાઓના સન્માનમાં વર્ષ-2008માં વાયુસેના પદક, વર્ષ-2022માં અતિ વિશિષ્ટ સેવા પદક અને વર્ષ-2025 માં પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાયા છે.
એર માર્શલ નગેશ કપુર અનુભવી ફાઈટર પાયલટ છે. ભારતીય વાયુસેનામાં 38 વર્ષની શાનદાર સેવાઓ દરમિયાન 3400 કલાકથી વધુ ઉડ્ડયનના અનુભવમાં તેમણે મિગ-21 અને મિગ-29 પ્રકારના તમામ લડાકુ અને પ્રશિક્ષક વિમાનોનું ઉડ્ડયન કર્યું છે. સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના એર ઑફિસર તરીકેની જવાબદારી સંભાળી તે પૂર્વે તેઓ એર ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, ટ્રેનિંગ કમાન્ડ તરીકે કાર્યરત હતા.