ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષક સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો ચેટીચાંદ અને ઈદને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ વિડિઓ કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત મહોલ્લા મિટિંગ, ડીજે-લાઉડ સ્પીકરના પ્રતિબંધિત ઉપયોગ પર નજર, અટકાયતી પગલાઓ, ધાબા ચેકીંગ, વાહન ચેકીંગ તેમજ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું.
રાજ્યના પોલીસ વડાએ વિડિઓ કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે જરૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી તેમજ ડ્રોન સર્વેલન્સ કરાવવું.
ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.
શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને સુરક્ષા અને સલામતીના ઉપરોક્ત વિવિધ મુદ્દાઓના આધારે યોગ્ય આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી અને તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.