ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલી ખેલો ઇન્ડિયા ગેમ્સ પહેલે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલ હેઠળ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી ખાતે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ચૈત્રી નવરાત્રિના સમાપન બાદ 8થી 10 એપ્રિલ 2025 દરમ્યાન આદ્યશક્તિના આંગણે આયોજિત ‘આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા’માં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની આશરે 550 બહેનો ભાગ લેશે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ) અને આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સંકલ્પ કી શક્તિ સે સફલતા કે શિખર પર’ના સૂત્રને અનુસરીને સમગ્ર ભારતની મહિલા ખેલાડીઓ તેમની પ્રતિભા રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ તીરંદાજી સ્પર્ધાના ઉદ્ઘાટન સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.
આદ્યશક્તિના આંગણે આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને એનાયત થશે ₹41,52,000ના રોકડ પુરસ્કાર
ચૈત્ર સુદ અગિયારસથી ચૈત્ર સુદ તેરસ સુધી આયોજિત આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધામાં આશરે 550 મહિલા ખેલાડીઓ ભાગ લેશે. અંબાજીના GMDC ગ્રાઉન્ડ ખાતે 8 એપ્રિલે ક્વૉલિફિકેશન રાઉન્ડ અને શુભારંભ સમારોહ, 9 એપ્રિલે ટોપ 16 માટે નૉકઆઉટ રાઉન્ડ, આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને 10 એપ્રિલે મૅડલ મૅચ અને ઇનામ વિતરણ યોજાશે.
રિકર્વ અને કમ્પાઉન્ડ બંને ઇવેન્ટમાં વિજેતા ખેલાડીઓને ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક 100થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત થનારી માતાજીની સ્તુતિ અને અર્ચના પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
નોંધનીય છે કે, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દર વર્ષે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરશે જેનાથી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરને તો પ્રોત્સાહન મળશે, સાથે ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે પણ ઉભરશે.