ગાંધીનગર, સંજીવ રાજપૂત:
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના કિનારે આવેલા વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં સંત સરોવર ડેમનું જળસ્તર 90% સુધી પહોંચી ગયું છે. ડિઝાસ્ટર કંટ્રોલ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમનું જળસ્તર 100% થતાં જ ઇરિગેશન વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવામાં આવશે. આના પરિણામે સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમોને સાબરમતી નદીના કિનારે આવેલા ગામોમાં P.A. સિસ્ટમ દ્વારા સૂચનાઓ પ્રસારિત કરવા માટે રવાના કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સાબરમતી નદીના કિનારે કોઈપણ કારણસર ન જવા અને નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને સાબરમતી નદીના કિનારે કોઈપણ કારણસર જવાનું ટાળવા જણાવાયું છે. પશુઓને લઈને નદી કિનારે જવું, નદીમાં નાહવું, જળસ્તર જોવું, કપડાં કે વાસણ ધોવા અથવા માછલી પકડવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વીજળીના થાંભલાઓને અડવું તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવા જણાવાયું છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ કટોકટીના કિસ્સામાં ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. નાગરિકોના સહકારથી આ સંભવિત જોખમી પરિસ્થિતિમાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.