ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે આ વર્ષે કચ્છના રણોત્સવમાં 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 સુધી સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બજારમાં સ્વસહાય જુથો સાથે સંકળાયેલી બહેનો દ્વારા નિર્મિત ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ ડોમમાં 100 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. રણોત્સવ આવતા પ્રવાસીઓમાં સખી ક્રાફ્ટ બજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને અત્યાર સુધી 5 કરોડથી વધુનું વેચાણ થયું છે.
આ ક્રાફ્ટ બજારમાં 330 સ્વસહાય જૂથની મહિલાઓને અલગ અલગ તબક્કામા સ્ટોલ આપવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાત સહિત ભારતભરમાંથી અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઇ છે.આ ક્રાફ્ટ બજારની મુલાકાત પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું બન્યું છે.
ક્રાફ્ટ બજારની સાથે લાઇવ સંગીત કાર્યક્રમો અને કાફેટેરિયા પણ બનાવવામાં આવ્યો છે. હસ્તકળા અને હાથવણાટથી લઈને માટીની વાસણો, જ્વેલરી અને હોમ ડેકોર સહિત પેકેજ્ડ ફુડનું અહીં વેચાણ થઇ રહ્યું છે. આ ક્રાફ્ટ બજારમાં પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનનું અનોખુ સંયોજન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી 4.5 લાખથી વધુ લોકોએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે.
ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા સખી મંડળની બહેનો માટે દર વર્ષે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષાના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરવામાં આવે છે.
આ વર્ષે એમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, સ્વદેશી મેળાઓ તેમજ પ્રવાસનના કાર્યક્રમોમાં પણ સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
















