Gandhinagar

“સ્વર્ણિમ ભારત : ગુજરાતના ટેબ્લોએ 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર જમાવ્યું અનેરું આકર્ષણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાત દ્વારા 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબ્લો : ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’  એ અત્રે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ટેબ્લો સાથે ‘મણિયારા રાસ’ના તાલે ઝુમતા કલાકારોએ પણ સૌને રોમાંચિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘કર્તવ્ય પથ’ પરથી 26 જાન્યુઆરીના રોજ વિવિધ રાજ્યો-કેન્દ્રીય વિભાગોના કુલ 31 ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ગણતંત્ર દિવસે  રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની  મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી હતી.

“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા જે ઝાંખીની રજૂઆત થઇ હતી તેણે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિન્તુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કર્યું હતું. ગુજરાતની ઝાંખીમાં ૧૨-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧-મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.

રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત ૧૨-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે ૨૧-મી સદીની શાનસમું ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન વાજપાઈજીની ૧૦૦-મી જન્મજયંતીના પ્રતિક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર, હાલના વડનગર સ્થિત ૧૨-મી સદીનું સોલંકીકાળનું ‘કીર્તિ તોરણ’ અને નીચના ભાગે  કચ્છી માટી-આભલાની કલાકૃતિ દર્શાવવામાં આવી હતી.

જયારે ઝાંખીના મધ્ય ભાગમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે ‘આત્મ નિર્ભર ભારત’ના પ્રકલ્પો પૈકી વડોદરામાં ‘તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડ’ના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના
સી-૨૯૫ એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ ‘અટલ બ્રિજ’, સેમીકંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યા હતા.

આ ઝાંખીના અંતિમ ભાગમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦-મી જન્મજયંતીની સ્મરણાંજલિના ભાગરૂપે ૨૧-મી સદીની શાન અને દેશભરના ખેડૂતો મારફતે એકત્રિત કરવામાં આવેલા લોખંડથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા-‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’દર્શાવવામાં આવ્યું હતું તથા તેના નીચેના ભાગમાં જગતમંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યના જોમવંતા ‘મણિયારા’ રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 31 ટેબ્લો રજુ થયા હતા. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક જીગર ખુંટનું  યોગદાન રહ્યું હતું.

ગુજરાત ટેબ્લોના કલાકારોએ ‘પીએમ એટ હોમ’ કાર્યક્રમ અંતર્ગત લીધી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પીએમ એટ હોમ’ કાર્યક્રમ અંતર્ગત તા.24 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના ટેબ્લો કલાકારો સહીત એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી.

તા.24 જાન્યુઆરી, 2025ના રોજ વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને પ્રજાસત્તાક દિવસની પરેડના ભાગરૂપે વડાપ્રધાન મોદી ગુજરાતના ટેબ્લો કલાકારો અને અધિકારોની મુલાકાત લેવાની સાથે અન્ય રાજ્યોના કલાકારો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ સાધ્યો હતો. આ સંવાદ બાદ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાને પ્રદર્શિત કરતા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ તબક્કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રી ડો.મનસુખ મંડાવિયા, કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જેઑલ ઓરમ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના ગણમાન્ય અથિતિઓની ઉપસ્થતિ રહી હતી.

સૈન્ય-શસ્ત્ર સરંજામ, હવાઈદળના કરતબો અને વિવિધ રેજિમેન્ટની કૂચકદમથી વાતાવરણ જોશીલું બન્યું

દેશની રાજધાની નવી દિલ્લીમાં ખુશનુમા વાતાવરણમાં શરુ થયેલી  ગણતંત્ર દિવસની પરેડનો વિધિવત પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ પદાધિકારીઓ અને ભારતીય સેનાના શીર્ષસ્થ અધિકારીઓ દ્વારા  ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ પર શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવાની સાથે થયો હતો. સલામી મંચ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તિરંગાને સલામી આપ્યા બાદ ‘કર્તવ્ય પથ’ પરથી ગણતંત્ર દિવસની પરેડનો પ્રારંભ થયો હતો.

આ પરેડમાં ટી-90 ટેન્કો, આકાશ વેપન સિસ્ટમ સહિતની અન્ય મહત્વની સૈન્ય સામગ્રીને દર્શાવામાં આવી હતી. આ પરેડમાં મેક ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, પંજાબ-જાટ-રાજપૂત-ગઢવાલ-શીખ-બિહાર-મહાર સહિતની રેજિમેન્ટના જવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત એનસીસી કેડેટ અને એનએસએસના યુવાઓએ પણ પરેડમાં હિસ્સો લીધો હતો.

મિગ-29, સી-295, સી-130, જગુઆર, રાફેલ,  સુખોઇ-30 જેવા વાયુદળના લડાકુ વિમાનોએ ધ્વજ-બાઝ-પ્રચંડ-ટેંગીલ-રક્ષક-અર્જુન-નેત્ર-ભીમ-અમૃત-વજ્રાન્ગ-ત્રિશુલ અને વિજય જેવી રચનાઓ આકાશમાં રચીને અત્રે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.

26મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ટેબ્લો  ‘પબ્લિક ચોઈસ એવોર્ડ’માં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે.

ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પણ પબ્લિક ચોઈસ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે તમારું વોટિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે.

“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ની થીમ આધારિત ગુજરાત દ્વારા  ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ’ વિષયનો  ટેબ્લો રજુ કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ના હસ્તે ઉદઘાટન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ…

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન…

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *