અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં ૧૭૫ મું અંગદાન થયું છે. જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૦૩ સુધીમાં એટલે કે ૧૧ મહિનામાં થયેલ આ ૩૬ મું અંગદાન છે.
૧૭૫ માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષભાઇ ચૌહાણ ને બ્લડ પ્રેસરની બિમારીને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું. તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુમાં સારવાર દરમિયાન તા.૩૦.૧૧.૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ સતિષભાઇ ચૌહાણને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે સતિષભાઇ ચૌહાણ ના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપેલ અને બ્રેઈન ડેડ થયેલ દર્દી મેડીકલ વિજ્ઞાનની ભાષામાં મ્રુત્યુ પામેલુ જ હોઇ આવી પરિસ્થિતીમા સતિષભાઇ ફરીથી બેઠા થઇ શકે તેમ ન હોઈ સતિષભાઇ ના અંગોના દાન વિશે સમજાવ્યા.
સતિષભાઇ ના માતા પિતા, બે માસુમ બાળકોની માતા તેવા તેમના પત્ની તેમજ અન્ય હાજર સગા વહાલા માટે આ અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતીનો સ્વીકાર કરવો પણ ખુબજ અઘરુ હતું ત્યા ડોકટરોએ સમજાવ્યા પ્રમાણે અંગદાન નો ર્નિણય લેવો તે લગભગ અશક્ય હતું.
સિવિલ ના ડોક્ટોરોની સમજાવટ, કુનેહ અને ધીરજ પુર્વકની સારવારના કારણે આખરે બ્રેઈન ડેડ થયાના ચાર દિવસ પછી સતિષભાઇ ના પરીવારજનોએ ભગવાનને ગમ્યુ તે ખરુ તેમ માની હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઇ માસુમના માથે થી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઊમદા હેતુથી સતિષભાઇ ના અંગોનું દાન કરવાનો ર્નિણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૬૮ અંગોનું દાન મળેલ છે.
જેના થકી ૫૫૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૧૬ કિડની, લીવર -૧૫૨, ૫૨ હ્રદય ,૩૦ ફેફસા , ૧૦ સ્વાદુપિંડ , બે નાના આંતરડા, ૬ હાથ, પાંચ સ્કીન અને ૧૧૬ આંખોનું દાન મળ્યું છે