જામનગર : સંજીવ રાજપૂત: જામનગરની શ્રી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પીટલમા ગોવા શિપયાર્ડ લી. (ભારત સરકારનું સાહસ -સંરક્ષણ વિભાગ) ના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી હેઠળ હસમુખભાઇ હિંડોચાના પ્રયત્નોથી રૂા. ૫૦ લાખ જેટલી કિંમતના ત્રણ મશીનો પૈકી બ્લડ બેંક વિભાગને પ્લાઝમા બ્લાસ્ટ ફ્રીજર રૂા. ૧૯.૮૨ લાખ તથા મેડીસીન વિભાગને યુ.એસ.જી. વિથ ઇકો કાર્ડીયોગ્રામ બે નંગ કે જેની બંનેની સંયુક્ત કિંમત રૂા. ૨૯.૩૬ લાખ થાય છે. આમ, કુલ ત્રણ મશીનની કિંમત રૂા. ૪૯.૧૮ લાખ થાય છે.
ઉપરોક્ત ત્રણે મશીનો જામનગરના સાંસદ પુનમબેન માડમનાં હસ્તે ભારત માતાનાં ફોટા સમક્ષ દિપ પ્રાગટય કરી હોસ્પિટલના વહિવટકર્તાઓ તથા વિભાગીય વડાઓને સોંપવામાં આવ્યા. આ પ્રસંગે ગોવા શિપ યાર્ડ લી. ના કંપની સેક્રેટરી છાયાબેન જૈન તેઓના પતિ સૌરભ જૈન સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત જામનગરના મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, જામનગર દક્ષિણનાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારી, જીલ્લા પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દિપક તિવારી, મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, મેડીસીન વિભાગના વડા ડો. મનિષ મહેતા તથા હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેર ભાજપના મહામંત્રીઓ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ગોવા શિપ યાર્ડ લી. કંપનીમાં ઇન્ડીપેન્ડ ડાયરેક્ટર તરીકે પોતાના કાર્યકાળમાં હસમુખ હિંડોચાના પ્રયત્નોથી જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના જુદા જુદા વિભાગોને રૂપિયા એક કરોડ થી વધુની કિંમતના કુલ-૬ (છ) મશીનો આપવામાં આવેલ છે.