માંગરોળ નગરપાલિકાના પૂર્વ કર્મચારીના વર્ષો જૂના કેસમાં કોર્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા તંત્રે કોર્ટના આદેશ મુજબ પગાર લેણાંની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ, કોર્ટના આદેશથી નગરપાલિકાનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ નગરપાલિકામાં ચકચાર મચી ગઈ છે અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકાના એક પૂર્વ કર્મચારીને વર્ષ 2008માં સેવા પરથી છૂટા કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ, કર્મચારી દ્વારા કોર્ટમાં અરજી કર્યા બાદ, કોર્ટએ પગાર અને લેણાંની રકમ ચૂકવવા નગરપાલિકાને આદેશ આપ્યો હતો. છતાં પણ, વર્ષો વીતી ગયા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ચુકવણી ન થતાં અથવા સંતોષકારક જવાબ ન મળતાં, કોર્ટ દ્વારા અંતે જપ્તીનો હુકમ આપવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, કોર્ટના નિમણૂક કરેલા અધિકારીની હાજરીમાં આજે નગરપાલિકાના ઓફિસ માંથી માલસામાનની જપ્તી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
સ્થળ પર કોર્ટ કર્મચારીઓએ રોજની નોકરીની રીતે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી માલસામાન જપ્ત કર્યું. જાણકારોના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યમાં આ પહેલીવાર છે કે કોઈ નગરપાલિકાનો માલસામાન કોર્ટના આદેશથી જપ્ત કરવામાં આવ્યો હોય. આ પગલાં પછી નગરપાલિકામાં રાજકીય હલચલ સર્જાઈ છે. ચીફ ઓફિસર અને નગરપાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. ચર્ચા એ પણ ચાલી રહી છે કે કોર્ટના હુકમ અંગેની અગાઉની નોટિસો કોઈએ ઇરાદાપૂર્વક દબાવી રાખી હતી,
જેના કારણે ચીફ ઓફિસર સુધી માહિતી પહોંચી ન હોવાનું કહેવાય છે. અને ત્યારબાદ સમયસર કોર્ટની કાર્યવાહી ન થતાં, અંતે કોર્ટને જપ્તીનો હુકમ અમલમાં લાવવો પડ્યો. આ ઘટનાથી હાલ નગરપાલિકાના દૈનિક કામકાજ અને પ્રજાલક્ષી સેવાઓ પર પણ અસર થઈ છે.
માંગરોળ શહેરમાં આ મામલે વિસ્તૃત ચર્ચા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે માંગરોળ નગરપાલિકાના ઇતિહાસમાં આ ઘટના એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ ગણાઈ રહી છે.
કોર્ટના આદેશ અને પાલિકા તંત્રની બેદરકારી વચ્ચે હવે આગામી પગલાં પર સૌની નજર છે.
બ્યુરો રિપોર્ટ નિતિન પરમાર માંગરોળ જુનાગઢ











