રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક-માધ્યમિક તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને આજ રોજ કેશોદ ખાતે કેશોદ અને માંગરોળ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપના ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અંતર્ગત રાજ્ય સરકારની ફાળવેલી સહાયમાંથી આ ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. જેમાં માંગરોળ એસટી ડેપો વર્કશોપ માટે રૂપિયા ૬૬૬ લાખ અને કેશોદ એસટી ડેપો વર્કશોપ માટે રૂપિયા ૬૫૨ લાખના ખર્ચે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન વર્કશોપનું નિર્માણ થનાર છે.
આ પ્રસંગે મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાએ ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપાઈજીના જન્મદિન નિમિત્તે તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
તે ઉપરાંત મંત્રી શ્રીના હસ્તે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ખાતે આવેલ હિન્દુ સ્મશાનમાં સરકારશ્રીની ૧૫મી નાણાપંચ (૨૦૨૨–૨૩)ની ગ્રાન્ટમાંથી રૂપિયા ૪૨ લાખના ખર્ચે નિર્મિત ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે મંત્રીશ્રીએ કેશોદ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરી તેમનો હાલચાલ પુછ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલાળા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયતાભાઈ સિમોરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, એસટી જુનાગઢ વિભાગના નિયામક શ્રી વી.બી. ડાંગર, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ શોભના બાલશ કેશોદ












