અમદાવાદ, સંજીવ રાજપૂત: એરમેન ટ્રેનિંગ સ્કૂલ બેલગાવી ખાતે અગ્નિવીરવાયુ (મહિલા)ની પ્રથમ ટૂકડી અને અગ્નિવીરવાયુ (પુરુષો)ની બીજી ટૂકડીની પાસિંગ આઉટ પરેડ (POP) યોજવામાં આવી હતી. તેમણે પોતાની તાલીમ પૂર્ણ કર્યા પછી આ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આ દિવસ અંકિત રહેશે કારણ કે 153 અગ્નિવીરવાયુ (મહિલા)ની પ્રથમ બેચે તેમના પુરૂષ સમકક્ષોની સાથે ખભાથી ખભા મિલાવીને કૂચ કરી હતી. કુલ 2280 અગ્નિવીરવાયુ (પુરુષ અને મહિલા) તાલીમાર્થીઓએ 22 અઠવાડિયાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
ભારતીય વાયુસેનાના ટ્રેનિંગ કમાન્ડના એર ઓફિસર કમાઇન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ આર રાધીશે પરેડની સમીક્ષા કરી હતી અને તાલીમાર્થીઓ દ્વારા કરાયેલી કવાયત તેમજ માર્ચ પાસ્ટના આકર્ષક પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.
એર માર્શલે વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કરનારા પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને સન્માન આપ્યું હતું. પરેડને પ્રભાવશાળી અને ભવ્ય બનાવવા માટે અગ્નિવીરવાયુએ કરેલા ઉત્કૃષ્ટ પ્રયાસ બદલ ROએ તેમને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સુરક્ષાના પરિદૃશ્યમાંથી નવા પડકારો ઉભરી રહ્યા છે. આથી, 22 અઠવાડિયા દરમિયાન મેળવેલી યુદ્ધની તાલીમ અને સૈન્ય સજ્જતાનો ઉપયોગ સૈન્યના ઉદ્દેશ્યો પૂર્ણ કરવામાં થવો જોઈએ. તેમણે અગ્નિવીરવાયુને તેમના જ્ઞાન, કૌશલ્યમાં વધારો કરવાનું ચાલુ રાખવા તેમજ દરેક સમયે અનુકરણીય રીતે પોતાનું આચરણ કરવા માટે પ્રભાવિત કર્યા હતા.
ROએ અગ્નિવીરવાયુના માતા-પિતાએ દેશ માટે આપેલા યોગદાનને સ્વીકાર્યું હતું અને વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેનાનો ભાગ બનવા માટે તૈયાર સન્માનનીય યુવાનો અને મહિલાઓને ઉછેરવા બદલ તેમની પણ પ્રશંસા કરી હતી.
અગ્નિવીરવાયુની આ ટૂકડીને 28 જૂન 2023ના રોજ અગ્નિપથ યોજના હેઠળ IAFમાં સામેલ કરવામાં આવી હતી. પાસિંગ આઉટ પરેડ તેમની મૂળભૂત સૈન્ય અને પ્રવાહ આધારિત તાલીમની પૂર્ણતા ચિહ્નિત કરે છે જેનાથી અગ્નિવીરવાયુને માત્ર શારીરિક તાલીમ જ નથી મળી પરંતુ તેમની બૌદ્ધિક અને નૈતિક ક્ષમતાઓમાં પણ વધારો કર્યો છે, જે વાયુ યોદ્ધા માટે જરૂરી છે.
પ્રભાવશાળી પાસિંગ આઉટ પરેડ સમારંભના સાક્ષી બનવા માટે ઉપસ્થિત રહેલા યુવાનો અને મહિલાઓના પરિવારો માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો.