આજે પણ આ ગામમાં ડિસ્કો દાંડિયાને કોઈ સ્થાન નથી, આજે પણ અહીની નવરાત્રીમાં આપણી સંસ્કૃતિની મહેક આવે છે.અહી બહુચર માતાજીના સાનિધ્યમાં માણેકચોકમાં આજે ધામધૂમ પૂર્વક અને પરંપરાગત રીતે માતાજીની માંડવી પધરાવવામાં આવી.
ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં નવરાત્રી મહોત્સવની ૩૦૦ વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહતી છે.અહીંયા પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના શાસ્ત્રોક્ત વિધી અનુસાર નવરાત્રી ઉજવાય છે.
નવરાત્રી દરમિયાન માણેકચોકના શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ધાર્મિક-ઐતિહાસીક નાટકો ભજવવામાં આવે છે. ભંડારિયાની ભવાઇ ખુબ જાણીતી અને લોકપ્રીય છે. ભંડારિયાની ભવાઇ જોઇને દાંતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.
પરંપરાગત રીતે નવરાત્રી ની ઉજવણી શરૂઆત આમતો જલઝીણી અગિયારસના દિવસથી જ થઈ જતી હોય છે, જલઝીણી અગિયારસના દિવસે પરંપરાગત મંડપ રોપણ કરવામાં આવે છે અને ત્યારબાદ સતત 15 દિવસ સુધી નવરાત્રી ની તૈયારીઓ કરાતી હોય છે.
જ્યારે આજે પ્રથમ નવરાત્રીના દિવસે પરંપરાગત રીતે ભવાઈના ભુંગળ વગાડી, દેશી વાદ્યોના તાલે માતાજીના ગુણગાન ગાતા ગાતા માતાજીની માંડવીને વાજતે ગાજતે માણેકચોકમાં પધરાવવામાં આવે છે. દસ દિવસ સુધી માતાજી માણેકચોકમાં બિરાજમાન રહે છે. આજ માણેકચોકમાં નવરાત્રીના નવ દિવસ ભવાઈ નાટકો ભજવવામાં આવે છે તેને નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે.